~પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘ગીરની અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી, જેમાં એશિયાટીક સિંહના સંરક્ષણ અને સહઅસ્તિત્વની યાત્રા દર્શાવવામાં આવી છે.
Ahmedabad, Gujarat, Aug 10 (VNI): રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘ગીરની અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી એશિયાટીક સિંહના સંરક્ષણની ગૌરવપૂર્ણ યાત્રાને ઉજાગર કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં ગીરના એશિયાટીક સિંહોના સંરક્ષણનો ઇતિહાસ, સ્થાનિક માલધારી સમુદાયોની ભૂમિકા તથા સિંહોના કુદરતી આવાસના રક્ષણ માટે વન અધિકારીઓ અને અગ્રિમ હરોળના કર્મચારીઓની અથાગ મહેનતને દર્શાવવામાં આવી છે.
ડોક્યુમેન્ટ્રીમાં ભવ્ય સિંહની સાથે સિંહણોની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સિંહબાળોના ઉછેર અને આગામી પેઢીના સંવર્ધનમાં સિંહણોની ભૂમિકા એશિયાટીક સિંહોની સતત વધી રહેલી વસ્તીના કેન્દ્રમાં છે. ફિલ્મમાં વન્યજીવો અને માલધારી સમુદાય વચ્ચેના પેઢીઓ જૂના સહઅસ્તિત્વ ઉપરાંત વન અધિકારીઓ, અગ્રિમ હરોળના કર્મચારીઓ અને ટ્રેકર્સના સંરક્ષણ પ્રયાસોને પણ રેખાંકિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના સંરક્ષણ પ્રયાસોના મહત્વપૂર્ણ તબક્કા વચ્ચે રજૂ થયેલી આ ડોક્યુમેન્ટ્રી મુજબ છેલ્લા એક દાયકામાં એશિયાટીક સિંહોની વસ્તીમાં 70 ટકાનો વધારો થયો છે અને વર્ષ 2025માં સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી હતી. પુખ્ત સિંહણોની સંખ્યા પણ વધીને 330 થઈ છે. સિંહોનું વિતરણ હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં આશરે 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયું છે. ગીર ઉપરાંત બરડા વિસ્તાર પણ એશિયાટીક સિંહો માટે બીજા ઘર તરીકે ઉભરી રહ્યો છે.
આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રની આ અસાધારણ સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ તેમજ વન અધિકારીઓ અને અગ્રિમ હરોળની ટીમોના અવિરત સમર્પણથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે સંશોધકો અને સ્થાનિક સમુદાયોના સહયોગથી એશિયાટીક સિંહને વધુ સુદૃઢ ભવિષ્ય મળ્યું છે. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ગીરની મુલાકાત દરમિયાન તેમણે આ સંરક્ષણ યાત્રાને નજીકથી જોઈ હોવાનું જણાવીને કહ્યું કે સિંહોનો વિસ્તાર વધી રહ્યો છે ત્યારે હવે તેમના આવાસ અને પ્રાઈડનું રક્ષણ, તેમના વિસ્તારનું સન્માન અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
‘ગીરની અમૂલ્ય ધરોહર’ પરિમલ નથવાણી દ્વારા ગીર લેન્ડસ્કેપના ઇકોલોજીકલ મહત્વ, એશિયાટીક સિંહોની સંરક્ષણ યાત્રા તથા વન્યજીવો, સ્થાનિક સમુદાયો અને સંરક્ષણ સત્તાધીશો વચ્ચેના સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી છે. VNI NEWS, Parimal Nathwani, Gir Lions, Asiatic Lion, Lion Conservation, Gir Forest, Gujarat Wildlife, World Lion Day 2026, Gir Asiatic Lion Conservation, Parimal Nathwani Documentary, VNINews, VNINews.com
