Gandhinagar, Gujarat, Jan 09, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજનો સાથે વિકાસની હરણફાળ ભરી છે.
શ્રી પટેલએ આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સમયથી આગળનું વિચારતા વિઝનરી નેતા છે. તેમણે અનેક નવતર પહેલથી દેશનું નામ દુનિયાભરમાં ઊજાળ્યું છે અને તેઓ ભારત માટે કહે છે, “યહી સમય હૈ, સહી સમય હૈ.” તે વાતને પાટીદાર સમાજે બરાબર સાર્થક કરી છે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાન્તિમાં યુવાશક્તિના સામર્થ્યને ઉજાગર કરતા અવસર તરીકે સરદારધામ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં ઉદ્યોગ-વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તા.૯ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન આ વર્ષ-૨૦૨૫ની સમિટ અને અંદાજે ૧ લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ, કેન્દ્રિય શ્રમ-રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે વધુમાં કહ્યું કે, વેપાર-ઉદ્યોગની ગુજરાતની ખ્યાતિ અને ક્ષમતાને વિશ્વ સમક્ષ મૂકવાની પહેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2003ના સફળ આયોજનથી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ વાયબ્રન્ટ સમિટ આજે ગુજરાતના વિકાસ રોલમોડેલની અને સામાજિક ક્રાન્તિની ઓળખ બની ગઈ છે. એટલું જ નહીં, દેશના અન્ય રાજ્યો પણ આવી સમિટ યોજતા થયા છે.
તેમણે ઉમેર્યું કે, પાટીદાર સમાજે આ વાયબ્રન્ટ સમિટની પ્રેરણાથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના સફળ આયોજનોથી ઔદ્યોગિક અને સામાજિક વિકાસની નવી દિશા કંડારી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને પરિણામે યુવાઓ અને નવા ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રેરિત થયા છે.
આવા ઉદ્યોગો માટે પૂરતી વીજળી અને પર્યાપ્ત પાણી જેવી પાયાની જરૂરિયાત રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે અને રાજ્યમાં ગ્રીન એનર્જીના ઉત્પાદનથી ઉદ્યોગોને ગ્રીન એનર્જી મળે તે દિશામાં પણ સરકારનું આયોજન છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત@૨૦૪૭ માટે ૨૪x૭ કાર્યરત છે, તેમાં સમાજશક્તિ પણ પૂરી તાકાતથી જોડાઈને દેશના અમૃતકાળમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતનો કર્તવ્યકાળ બનાવે તે સમયની માંગ છે.
મુખ્યમંત્રીએ આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોમાં બધા જ સમાજોની સહભાગિતાની પ્રશંસા કરતાં કહ્યું કે, સરદાર સાહેબનો “એકતાના બળે પ્રગતિ”નો વિચાર અહીં “સૌના સાથ સૌના વિકાસ”ના પ્રધાનમંત્રીશ્રીના મંત્ર સાથે સાકાર થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ આ પ્રસંગે સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન-SPIBOની વેબસાઈટનું લોન્ચિંગ તેમ જ જીપીબીએસ-૨૦૨૬ યુ.એસ.એ.નું પ્રિ-લોન્ચિંગ પણ પ્રેઝન્ટેશન દ્વારા કર્યું હતું. તેમણે સમાજના વિવિધ દાતાઓનું પણ આ તકે સન્માન કર્યું હતું.
કેન્દ્રીય રમત ગમત અને શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની વિશેષતા વર્ણવતા કહ્યું કે, આપણે એ સમાજ છીએ જેનો ખેડૂત ખેતરમાં સખત મહેનત કરીને શ્રદ્ધા સાથે કુદરતના ભરોસે જીવે છે. મહેનત, પુરુષાર્થ અને સાહસનો સ્વભાવ હોવાથી, ગામડાંથી શહેર, અને શહેરથી દેશ-વિદેશ સુધી પટેલ સમાજ ફેલાયેલો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે સરદાર સાહેબની વિચક્ષણ ક્ષમતા, બુદ્ધિ, એકતા અને વિરાસતનો પાટીદાર સમાજ વાહક છે. પુરુષાર્થ, સાહસ અને પરોપકારી જીવનશૈલી એ આ સમાજની આગવી ઓળખ છે.
“એક ભારત, શ્રેષ્ઠ ભારત”, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાકાર કરી રહ્યા છે. દેશ પરિવર્તન સાથે આગળ વધી રહ્યો છે અને મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. યુવાનો માટે ધંધા -વ્યવસાય માટે દેશમાં ઉત્તમ પ્રકારના અવસરોનું સર્જન થઈ રહ્યું છે. વિશ્વના વિકસિત દેશો પણ વિકાસની ગતિમાં ધીમા પડી રહ્યા છે ત્યારે ભારતનું અર્થતંત્ર 8% ના દરે વિકસી રહ્યું છે. વર્ષ 2026 ના અંત સુધીમાં ભારતની ઇકોનોમી સાત ટ્રિલિયન ડોલર થાય એ દિશામાં, દેશ આગળ વધી રહ્યો છે. ૨૦૪૭માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવાય ત્યારે દેશને 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી લઈ જવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. તેના માટે ભારત સરકાર- રાજ્ય સરકારો સાથે મળીને, સાતત્ય પૂર્ણ આયોજન કરી રહી છે. દેશમાં મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. એટલે કે દેશની અંદર ખરીદીની ક્ષમતા વધી રહી છે. જ્યારે કોઈ દેશમાં પરચેઝ પાવર વધતો હોય ત્યારે, ઉદ્યોગ જગત માટે મોટી તકો છે. એ તક પાટીદાર સમાજના યુવાનો એન્કેશ કરે એ સમયની માંગ છે.
ડૉ. મનસુખ માંડવીયાએ સમાજને એક્તા અને સંગઠીતતા સાથે વિકાસ રાહે આગળ વધવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, સરદારધામના અમ્બ્રેલા કવર નીચે અન્ય સૌ પાટીદાર સમાજો એક થઈને સર્વગ્રાહી વિકાસ માટે સાથે આવે. વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં આનાથી મોટું બળ મળશે એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે GPBS- ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025ને વીડિયો સંદેશ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ, દેશ -વિદેશના પાટીદારોને સાથે રાખીને સરદાર ધામના માધ્યમથી રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાના પ્રયત્ન માટે સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન આપીને, શુભેચ્છા પાઠવી હતી.
સરદાર ધામની એકતાના શિલ્પી અને પ્રમુખ સેવક ગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૪૧૦૦થી વધુ દીકરા દીકરી ઓ સરદાર ધામના માધ્યમથી યુ પી એસ સી, જી પી એસ સી પાસ કરીને દેશ માટે કામ કરી રહ્યા છે. તકદીર, તસવીર અને તાસીર બદલવાની નેમ સાથે તેમણે જણાવ્યું કે, આ સામાજિક ક્રાંતિ છે.
ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ, અગ્રણી આગેવાનો, વિદ્યાર્થીઓ અને પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ સરદાર ધામના ગોવિંદભાઈ વરમોરાએ કરી હતી.
