ગાંધીનગર, 01 આેગસ્ટ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.
નિતિન રથવીનાં જણાવ્યા અનુસાર શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.
કૃષિ મંત્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ૩૧ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૭૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ ૮૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં ૮૧ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ આશરે ૨૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨૨.૯૦ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૧.૮૦ લાખ હેક્ટર હતું. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં ૧ લાખ હેકટરનો વધારો થયો છે.
રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન આશરે ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે અત્યર સુધીમાં આશરે ૨.૫ લાખ હેકટરના વધારા સાથે ૧૮.૮૦ લાખ હેકટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યમાં આ વર્ષે પણ ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે. ખરીફ પાકોના વાવેતરમાં હજુ પણ વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.