Ahmedabad, Gujarat, Mar 21, વિશ્વ કવિતા દિવસ પર અમદાવાદમાં આજે ‘કવિસંમેલન’ આયોજિત કરવામાં આવ્યું.
કાર્યક્રમ સંચલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૬૦૦ કલાકે , રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશનદ્વારા વિશ્વ કવિતા દિવસ WORLD POETRY DAYની ઉજવણી નિમિત્તે ‘કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.
‘કવિસંમેલન’ અંતર્ગત કવિ માધવ રામાનુજ, દલપત પઢિયાર , હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને તુષાર શુક્લે સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો. સંચાલન કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું.કાર્યક્રમનો પ્રારંભ અને આભારવિધિ કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કવિસંમેલનમાં રજૂ થયેલ કવિતા :
ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠા,
બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત.
તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.
:હર્ષ બ્રહ્મભટ્ટ
કોઈ રે ઉતારો મારો અંચળો
અમે અમારા ઓઢેલા અંધાર
ઢાંકેલી માટીના બીજ બધાં બ્હાવરાં
એના મૂળ રે ભીતર મોજાં બહાર
કોઈ રે ઉતારો મારો અંચળો
:દલપત પઢિયાર
એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો,
ટેંક પર માથું મૂકી ઊંઘી લઉં.
:માધવ રામાનુજ
હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
:રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
વ્હેતા સમય કેરી ધારામાં એમ કાંઈ
જાય ના તણાઈ સાચું વ્હાલ
વયની સંગાથે વધે વ્હાલપ
એ કહેવાથી વ્હાલાની રીત છે કમાલ
સાંજ ને સવાર મારે ચાલવાનું રોજ
મૂઆ સાંધાના દર્દના ઉચાટમાં
વ્હાલોજી વાદરી આ ઝૂકીને બાંધે
:તુષાર શુક્લ
