Spread the love

ગાંધીનગર, 19 ઓગસ્ટ, ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના પર્વની ઉજવણી દરમિયાન ગુજરાતન ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી રજૂ કરી હતી.
શ્રી પટેલે ગાંધીનગર ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી રાજ્યની બહેનો સાથે કરી હતી. ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રીને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીશ્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી ના કાંડે રાખડી બાંધી હતી.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રિટા બહેન પટેલ, મેયર શ્રીમતી મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ શ્રી ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું.
મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતા ના શ્લોક લખેલી ૧૪૦ ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી. ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના અઢાર શ્લોક દર્શાવતી આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ભૂયંગદેવની સાધના વિનય મંદિરની ૨૦ વિદ્યાર્થિનીઓ અને ૩ શિક્ષકોએ મળીને ૪૫ મીટર કાપડ, ઉનના દોરામાંથી જાતે બનાવેલા ૩૬ બુટ્ટા, ૩૦૦ નંગ ઝૂમકા, ૩૦૦ નંગ નાની રાખડી, ગુંદર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને ૧૨ દિવસમાં આ આકર્ષક રાખડી બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂયંગદેવની સાધના વિનય મંદિરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા છેલ્લાં ૧૯ વર્ષથી જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘G-20’, ‘કોરોના વોરિયર્સ’, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સહિતની જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવી હતી.
શાળાના ટ્રસ્ટી પંકજભાઈ પટેલ, ઇન.આચાર્ય જગદીશભાઈ પટેલ અને નિયામક રવીન્દ્રભાઈ પટેલે આ ભવ્ય રાખડી બનાવવા અને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.