Ahmedabad, Gujarat, Apr 12,:સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુકલે અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો ,આજે આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.
કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૨ એપ્રિલ, શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક કિરીટ દૂધાતના પુસ્તક ‘બાપાની પીંપર’ વિશે પ્રો. નરેશ શુકલે અને સાહિત્યસર્જક ચિનુ મોદીના પુસ્તક ‘નવલશા હીરજી’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. ઘનશ્યામ ગઢવીએ ‘નવલશા હીરજી’ નાટકમાં આવતા દુહા અને છંદની પ્રસ્તુતિ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો, વિદ્યાર્થીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
નરેશ શુક્લ : ‘બાપાની પીંપર’ની વાર્તાઓને તપાસીએ તો એમાં મોટાભાગની બધી જ વાર્તાઓમાં ગામડું જ કેન્દ્રમાં છે. ગામડાંમાં જીવતા પાત્રો, એની બોલી, પરિવેશ સમાન છે.સાહિત્યસર્જક કિરીટ દૂધાતની વાર્તાઓમાં જીવનના સીધા જ અનુભવો બહુ બધીવાર થોડાં રૂપાંતરિત થઈને આલેખાયા છે. એટલે આ વાર્તાઓ આપણી આસપાસ બનતી ઘટનાઓના પાત્રોની જ કથાઓ લાગે છે.’બાપાની પીંપર’ની વાર્તાઓ ગુણવત્તા, સ્વરૂપસિધ્ધિ અને વાચકોને આકર્ષવામાં ઓછી નથી ઉતરતી. મોટાભાગની રચનાઓ ભાવક સાથે સીધું જ જોડાણ સાધી શકે એવી સશક્ત અને રસછલકતી છે
સતીશ વ્યાસ : ‘નવલશા હીરજી’ નાટક મૂળે તો મૂળશંકર મૂલાણીનું,જેની પ્રત કાળની ગર્તામાં ગૂમ થઈ ગઈ છે. કૈલાસ પંડ્યા પાસેથી એની કથા સાંભળી ચિનુ મોદીએ એને નવસાધ્ય રૂપ આપ્યું.1975માં એ દર્પણમાં ભજવાયું અને 1995માં અસાઈત સાહિત્યસભા દ્વારા પ્રકાશિત થયું.આ રચનાનાં મૂળ તો શામળની ‘સિંહાસનબત્રીસી’માં પડેલાં છે જેને સાંપ્રતમાં ઢાળી નારીસન્માનના મૂલ્ય સાથે જોડી ચિનુ મોદીએ પ્રસ્તુતતા આપી છે. આ નાટકના દસેક જેટલા પ્રયોગો થયા છે અને આજેય ભજવાય તો પ્રેક્ષકોને પ્રસન્નતા પૂરી પાડે એવું છે.
