Spread the love
  • Ahmedabad, Nov 16,  Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આજે ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
    સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૬ નવેમ્બર, શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘ પુસ્તક પરિચય ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક સરોજ પાઠકના પુસ્તક ‘નાઇટમૅર’ વિશે સાહિત્યકાર સંધ્યા ભટ્ટે અને સાહિત્યસર્જક જયન્ત ખત્રીના પુસ્તક ‘ખરા બપોર’ વિશે સાહિત્યકાર કિરીટ દૂધાતે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    સંધ્યા ભટ્ટ : ‘નાઈટમેર’ એ સરોજ પાઠકની પહેલી નવલકથા જે 1969 માં પ્રકાશિત થયેલી.આ એક ચૈતસિક સ્તર પર લખાયેલી નવલકથા છે. કથાનાયિકા નિયતિના લગ્ન તેના પ્રિય પાત્ર સાર્થને બદલે સાર્થના મોટાભાઈ અનન્ય સાથે થાય છે. વળી એક જ ઘરમાં ત્રણેને સાથે રહેવાનું આવ્યું છે. આ વિચિત્ર પરિસ્થિતિથી નિયતિનાં મનમાં ચાલતી અકળામણ, ગુસ્સો, અસંતોષ,વગેરે વ્યક્ત કરવામાં સર્જક સરોજ પાઠક લાજવાબ રહ્યાં છે. ત્રણ મુખ્ય પાત્રોનું મનોગત અને બાહ્ય ઘટનાઓની ગૂંથણી ભારે કુશળતાથી તેમણે કરી છે.નિયતિ ઉપરાંત અન્ય બે પાત્રો પણ નાઈટમેરને સ્વપ્નછળને જીવી રહ્યાં છે. અને વધુ વ્યાપક રીતે જોઈએ તો માનવમાત્રને નાઈટમેરમાંથી પસાર થવું પડે છે.
    આ નવલકથાને ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું.સુજ્ઞ સાહિત્યકારો સુમન શાહ, ભાનુપ્રસાદ પંડ્યા, ચન્દ્રકાન્ત મહેતા, રવીન્દ્ર ઠાકોર અને ડૉ. એમ.આઈ.પટેલની પ્રશંસક વિવેચનાનો આ નવલકથાને લાભ મળ્યો છે.
    કિરીટ દૂધાત : ‘ખરા બપોર‘ ડોક્ટર જયંત ખત્રીનો ત્રીજો અને છેલ્લો વાર્તા છે. એનું પ્રકાશન 1968માં થયું હતું. સંગ્રહમાં ‘ધાડ‘ અને ‘ખરા બપોર‘ જેવી ખત્રીની જ નહી પણ ગુજરાતીની સર્વકાલીન ઉત્તમ વાર્તાઓ છે તો સાથોસાથ ‘માટીનો ઘડો‘ અને ‘નાગ‘ જેવી અદભુત રસની વાર્તાઓ છે. એ ઉપરાંત તત્કાલીન મુંબઈના વાતાવરણ પર લખાયેલી ‘ડેડ એન્ડ‘ અને ‘ સિબિલ‘ જેવી વાર્તાઓ પણ છે. અને જયંત ખત્રીએ વાર્તાકાર તરીકે પોતાનું વળું બદલ્યું હતું એ પાંચ વાર્તાઓ પણ અહીં  જોવા મળશે એટલે એ રીતે આ સંગ્રહ ગુજરાતી સાહિત્યનો એક નોંધપાત્ર સંગ્રહ છે. એને તે વરસનું ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રેષ્ઠ પુસ્તક માટે અપાતું ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે.