Spread the love

Ahmedabad, Sep 23, Gujarat ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કાન્હડદે પ્રબંધ’ અને ‘રણયજ્ઞ”પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક પદ્મનાભ કૃત પુસ્તક ‘કાન્હડદે પ્રબંધ’ વિશે પ્રો. પિનાકિની પંડયાએ અને સાહિત્યસર્જક પ્રેમાનંદ કૃત પુસ્તક ‘રણયજ્ઞ’ વિશે મધ્યયુગના અભ્યાસી કીર્તિદા શાહે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું.
પિનાકિની પંડ્યા : ‘કાન્હડદે પ્રબન્ધ’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઈ. સ. 1456 માં રચાયેલી કૃતિ છે. તેના કર્તા પદ્મનાભ ઝાલોરના રાજા અખેરાજના કવિરાજ હતા. અખેરાજના પૂર્વજ કાન્હડદેની શૌર્યગાથા આ પ્રબન્ધમાં છે. દિલ્હીના સુલતાન અલાઉદીન ખીલજીએ 1297માં સત્તારુઢ થઈ પોતાની આણ સમગ્ર હિન્દુસ્તાન પર વર્તાવી હતી. ગુજરાત પર ચઢાઈ કરી સોમનાથના શિવમન્દિરને ધ્વન્શ કરી પાછો ફરતો હતો ત્યારે ઝાલોરના રાજા કાન્હડદે તેને સાડા બાર વર્ષ સુધી લડત આપી હતી. અંતે વીકા સેજપાલના દગાથી છૂપા રસ્તાની બાતમી મેળવી સુલતાન ગઢમાં પ્રવેશી ગયો હતો. પરિણામે કાન્હડદે વીરગતિ પામ્યો હતો. આમ આ કથામાં રજપૂત રજાઓના વિધર્મીઓ સાથેના યુદ્ધની કથા છે. તેની સાથે સુલતાનની દીકરી પીરોજાના કાન્હડદેના પુત્ર વિરમદે પ્રત્યેના એક પક્ષીય પ્રણયના રંગો વણાયા છે.
કીર્તિદા શાહ : રણયજ્ઞ પ્રેમાનંદનું 26 કડવાઓનું રામાયણ વિષયક આખ્યાનકાવ્ય છે. આ આખ્યાનકાવ્યમાં જ્ઞાન,ડહાપણ અને આનંદ મળે છે.રણયજ્ઞના શબ્દચિત્રો જીવંત છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.