Spread the love

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં ‘QR કોડ’ સ્કેન કરીને રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા મેળવી શકાશે અને નજીકની નર્સરીનું લોકેશન પણ જાણી શકાશે.
જનક દેસાઈએ જંણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યું છે ત્યારે ગુજરાતના વન વિભાગ દ્વારા હરિયાળા ગુજરાતને વધુને વધુ ‘હરિયાળું’ બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
મોબાઈલ ટેકનોલોજીના યુગમાં QR કોડનું ચલણ નાગરીકો માટે સામાન્ય બન્યું છે ત્યારે વન વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં નાગરિકોને નજીવા દરે ઉચ્ચ ગુણવતાયુક્ત રોપાઓ ઘરની નજીક ઉપલબ્ધ થાય છે તે માટે ‘QR કોડ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ QR કોડ સ્કેન કરવાથી આપના ઘરની નજીક કઈ કઈ નર્સરી ઉપલબ્ધ છે, તેની માહિતી ઓનલાઈન પણ મેળવી શકાશે.
આ QR કોડ સ્કેન કરતા ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓની માહિતી દર્શાવતો નક્શો જોવા મળશે. આ નક્શામાં દર્શાવેલ કોઈપણ નર્સરીમાંથી કોઈપણ વ્યક્તિ ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે. નર્સરીની વધારે માહિતી માટે આયકન પર ક્લિક કરી નજીકની નર્સરીનું નામ અને સ્થળની માહિતી મેળવી શકાય છે.
વ્હોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “ Hi ” ટેક્ષ્ટ અથવા કોલ કરવાથી તમારા ફોનમાં મેસેજ દ્વારા એક લીંક આવશે. આ લિંક પર ક્લિક કરતા લિંક ટ્રી નું પેજ ખૂલશે જેમાં “Nursery on Map” પર ક્લિક કરતા ગુજરાત વન વિભાગ હસ્તકની નર્સરીઓની માહિતી મેળવી શકાશે.
રોપાઓ સિવાય પણ રાજ્યભરમાં વન વિભાગને સંબંધિત કોઈ પણ માહિતી-મદદની જરૂર હોયતો ૨૪X૭ ટોલ ફ્રી નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવાનો રહેશે. આ ટોલ ફ્રી નંબર કોઈપણ મોબાઈલ પરથી કોઈપણ જિલ્લામાંથી સીધો જ ડાયલ કરી શકાય છે.
આ ઉપરાંત https://forests.gujarat.gov.in/nursery-on-map.html લિંક ઉપર ક્લિક કરવાથી વધુ માહિતી ઉપલબ્ધ થશે તેમ, વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોઈ પણ નાગરિક, બિન-સરકારી, સહકારી સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ વગેરેને ઉછેરેલ રોપા જી.આર. મુજબ આપવામાં આવશે.