Spread the love

Ahmedabad, Oct 10, ‘આરએએફ ગ્લોબલ’એ Gujarat ના અમદાવાદ, રાજકોટ અને પોરબંદર શહેરની પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે રેડિયન્સ સ્કૉલરશિપ શરૂ કરી છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘આરએએફ ગ્લોબલ’ના રિજિયોનલ હેડ તાપસભાઈ સતપથીએ આજે જણાવ્યું કે “પ્રાથમિક શાળામાં ભણતી કેટલીક બાળકીઓ, ભણવામાં ખૂબ તેજસ્વી હોય છે, છતાં આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી તેઓ ઉચ્ચ અભ્યાસ કરીને પોતાની મનગમતી કારકિર્દી ઘડી શકતી નથી. પરિણામે, તેઓને ક્યારેક શાળા છોડવાની પણ નોબત આવે છે. આવી ક્ષમતાવાન બાળકીઓને શિક્ષણ-સહાયની સાથેસાથે, સર્વાંગી વિકાસ માટે એક અનુકૂળ વાતાવરણ મળી રહે તે હેતુથી અમે પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે રેડિયન્સ સ્કૉલરશિપ શરૂ કરી રહ્યા છીએ.”
અમદાવાદ, રાજકોટ અને પોરબંદરના આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોની, પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ આ સ્કૉલરશિપ માટે અરજી કરી શકે છે. સ્કૉલરશિપ માટે પસંદ થયેલી વિદ્યાર્થિનીઓને, આગામી વર્ષે નવા શૈક્ષણિક સત્રથી, ઉચ્ચ કક્ષાની શ્રેષ્ઠ શાળાઓમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ, ધોરણ 6થી 10 સુધીની શાળાની ફી, જરૂરી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી, ટૅબ્લેટ અને સ્માર્ટફોન જેવી તકનિકી સહાય, વ્યક્તિગત ટ્યુશન, શાળાના ભણતરની સાથે અલગ કોચિંગ, શૈક્ષણિક પ્રવાસો તેમ જ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન અને સલાહ પૂરા પાડવામાં આવશે એમ સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે.
સંસ્થાના રિજિયોનલ ઍજ્યુકેશન મૅનેજર સુદેશનાબહેને જણાવ્યું હતું કે, “રેડિયન્સ સ્કૉલરશિપ શાળાકીય ભણતર પૂરું કરવા માટે નાણાકીય, ભાવનાત્મક, તકનિકી સહાય ઉપરાંત વ્યાપક રીતે જરૂરી ચીજવસ્તુઓની મદદ પણ પૂરી પાડશે. આ સ્કૉલરશિપ, પ્રતિભાશાળી, ઉત્સુક અને આત્મપ્રેરિત વિદ્યાર્થિનીઓનાં શિક્ષણને સમૃદ્ધ બનાવશે. તેમને તેમની રૂચિ અને મહત્ત્વાકાંક્ષાઓ પ્રમાણે, શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટેનાં જરૂરી પગલાં ભરવા પ્રેરિત કરશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ સ્કૉલર વિદ્યાર્થિનીઓને, લાંબા ગાળે તેમના સમુદાયના લોકોને પ્રેરિત કરીને સમાજમાં જરૂરી બદલાવ લાવવા માટે સક્ષમ કરવાનો પણ આ સ્કૉલરશિપનો એક આશય છે.‌”
તેમણે જણાવ્યું કે આરએએફ ગ્લોબલ, એક બિનસાંપ્રદાયિક, બિનનફાકારક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે એશિયા અને આફ્રિકાના છ દેશોમાં સૌથી વધુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઉપેક્ષા પામેલી વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયો માટે કામ કરતી સંસ્થા છે. તે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં કાર્યરત છે. છેલ્લા એક દાયકાથી, તે લોકોનાં જીવનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે અલગ-અલગ સંસાધનો, ટેક્નોલૉજી અને પદ્ધતિઓ વગેરે પૂરાં પાડીને કામ કરવા પ્રતિબદ્ધ છે. આરએએફ ગ્લોબલ, ટકાઉ બદલાવ માટે લોકોને શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ કરવા તથા લોકો પોતાનાં જીવન પર જાતે જ નિયંત્રણ મેળવે, તે માટેનું વાતાવરણ પૂરું પાડવામાં માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *