Spread the love

Ahmedabad, Gujarat, Apr 17, મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!” આ શબ્દો છે 82 વર્ષની ઉંમરે પણ યુવાન મનોવસ્થા ધરાવતાં રમીલાબહેન શુક્લાના, જેમણે તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે.
શ્રદ્ધા ટીકેશએ આજે જણાવ્યું કે આટલી જૈફ વયે અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા રમીલાબહેનને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને આનંદિત થયા હતા. આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરનારાઓમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ સામેલ હતા.
ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા રમીલાબહેન સ્વભાવે પહેલેથી જ ખૂબ મહેનતુ હતા. લગ્ન પહેલા વર્ષ 1965માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાની જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું.
રમીલાબહેનનું કિશોરાવસ્થાનું સ્વપ્ન હતું કે તેઓ ખૂબ જ ભણે. ભણવું વાંચવું અને વિચારવું એ રમીલાબહેનની ગમતી પ્રવૃત્તિઓ છે. 71 વર્ષની ઉંમરે તેમને એવું લાગ્યું કે હવે સંસારની બધી જવાબદારી તેમણે નિભાવી લીધી છે અને તેમની સહ ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો તેઓ સાંભળે છે, તેવી જિંદગી તેમને નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. રમીલાબહેન અને તેમના કુટુંબ માટે આ એક ગર્વની વાત હતી.
રમીલાબહેન આટલાથી સંતોષ માનવામાં રાજી નહોતા. તેમણે વધુ અભ્યાસ કરવા માટે નિશ્ચય કરી લીધો હતો. આમ કરતા તેમણે PhD એટલે કે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. આ ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવી એ નાની વાત ન હતી. રમીલાબહેને જોયું કે PhDની પરીક્ષા આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે, તેમ છતાં તેમણે પીછેહટ ના કરી.
PhDના કોર્સમાં એડમિશન લેવા માટે તેમણે પહેલો પડાવ પાર કરવાનો હતો. PhDની પ્રવેશ પરીક્ષા માટે રમીલાબહેને ટ્યુશનનો સહારો લીધો. આ પરીક્ષા પાસ કરીને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના PhD કોર્સમાં એડમિશન લીધું. ગુજરાતી વિષયમાં ખૂબ જ રસ હોવાથી PhD માટે રમીલાબહેને ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિષય પસંદ કર્યો.
રમીલાબહેન પાસે કમ્પ્યૂટરનું જ્ઞાન ન હતું અને તેમણે ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ગુજરાતી ટાઈપિંગ કરવું જરૂરી હતું. કેમ કે, PhD માટેના થીસીસ લખવા માટે કમ્પ્યૂટરનો સહારો લેવો અનિવાર્ય હતો, તેઓએ આ માટે કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાન લીધું અને કમ્પ્યૂટર ઉપર જરૂરિયાત પૂરતું કામ કરી શકે તેટલું તેઓ શીખી ગયા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર યોગેન્દ્રભાઈ પારેખ રમીલાબહેનની PhD ડિગ્રી માટે તેમના પ્રોફેસર અને ગાઇડ હતા. પ્રો. યોગેન્દ્રભાઈ તેમને દરેક પડાવ ઉપર માર્ગદર્શન – મદદ કરતા હતા. રમીલાબહેન કુતુહલવશ પ્રો. યોગેન્દ્રભાઈને પૂછતા કે, PhD કરવા માટે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચવા પડે, પ્રો. યોગેન્દ્રભાઈ કહેતા કે, પોતાના વિષયના ઓછામાં ઓછા 100 પુસ્તકો વાંચવા પડે. રમીલાબહેને પોતાની વાંચનશક્તિનો ભરપૂર ઉપયોગ કરીને 135 જેટલા પુસ્તકો વાંચી પોતાના વિષય માટે થીસીસ લખ્યો.
પોતાના ભણતર દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તેમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો. યુનિવર્સિટીએ તેમના જેવા વિદ્યાર્થી પ્રત્યે સમજણ દાખવી ભણતરમાં તેમને ખૂબ સાથ સહકાર આપ્યો. યુનિવર્સિટી તરફથી મળેલા આ સાથ સહકાર બદલ તેવો યુનિવર્સિટી માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. સુશ્રી અમીબહેન ઉપાધ્યાય કહે છે કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે કોઈપણ ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો છો. ભારતીય સંસ્કૃતિ હંમેશાં જ્ઞાનકેન્દ્રિત રહી છે ત્યારે 82 વર્ષની ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવા માટે હું રમીલાબહેનને ખૂબ જ શુભેચ્છાઓ આપું છું. તેઓ આ ઉંમરે બીજી મહિલાઓ અને મોટી ઉંમરના વ્યક્તિઓને જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે જોડાઈને રમીલાબહેનની જેમ સૌ કોઈ જ્ઞાન મેળવીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.”
રમીલાબહેન પોતાના પરિવારે આપેલા સાથ સહકાર બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરે છે. રમીલાબહેન પોતાના જીવનસાથી ગુજરી ગયાના 30 વર્ષ બાદ પણ આ રીતે ભણી શક્યા તે માટે તેઓ ખૂબ જ આનંદિત છે.
પોતાના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ માટે તેઓને દિલથી પ્રેમ છે. ગઝલ પ્રત્યે રમીલાબહેન અંદરથી જ રસ ધરાવે છે. ‘જીવું છુ ત્યાં સુધી જીવતી રહું’ એવો વિશ્વાસ ધરાવનાર રમીલાબહેન શૂન્ય પાલનપુરીની ગઝલ પ્રત્યે ખૂબ જ ઊંડો પ્રેમ ધરાવે છે. શૂન્ય પાલનપુરીની ગઝલમાં તેમને ખૂબ જ વિષય વૈવિધ્યતા દેખાય છે. વિવિધ વિષયો ઉપરના શેર જેમ કે, પ્રણય, ઈશ્વર અને ધર્મને ભેગા કરીને તેનું કલેક્શન કરી લખવાનું તેઓ પસંદ કરતા હતા. રમીલાબહેન કહે છે કે, તેઓ શૂન્ય પાલનપુરીના વિષયને પસંદ કરીને ડિગ્રી મેળવવા ઉપરાંત દિલથી પણ સમૃદ્ધ થયા છે. પોતાના રસનો વિષય જ્યારે ભણવા મળી જાય ત્યારે ભણવાની કેવી મજા આવે તે એક વિદ્યાર્થી જ સમજી શકે છે!
“સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી, ખમ્મા ખમ્મા’! હિંમત બોલી, અલ્લા બેલી’!”
શૂન્ય પાલનપુરીની આ ગઝલની જેમ જ ઠોસ મનોબળ ધરાવતા રમીલાબહેન કોઈપણ ડગલું ભરતા પહેલા તેના ઉપર પૂરેપૂરું મનોમંથન કરીને પછી જ તેમાં આગળ વધે છે અને ત્યારબાદ તેઓ તેમાં પીછેહટ નથી કરતા. જીવન જીવવાની ધગશથી ભરેલા રમીલાબહેન મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઉદાહરણ સમાન છે. રમીલાબહેનમાંથી ડૉ. રમીલાબહેન શુક્લા બનવાની સફરમાં તેમની આખી જિંદગીનો સાર છે. મહેનત અને પરિશ્રમના સહારે આ ઉંમરે પોતાના સ્વપ્ન પૂરા કરતાં 82 વર્ષના આ મહિલા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *