~ગુજરાત સરકારના અધિકારી અને પેરા-એથ્લેટ રામસિંહ પઢિયાર 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 લૉસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાના સંકલ્પ સાથે સઘન તાલીમ લઈ રહ્યા છે.
Gandhinagar, Gujarat, Aug 24 (VNI): ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર 2028 લૉસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવાના અડગ સંકલ્પ સાથે સજ્જ બન્યા છે. લૉન્ગ જમ્પ અને હાઈ જમ્પમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 23થી વધુ મેડલ મેળવી ચૂકેલા 33 વર્ષીય રામસિંહ સરકારી સેવાની સાથે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
વહીવટી જવાબદારીઓ વચ્ચે રમતગમત ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર આ પેરા-એથ્લેટનું લક્ષ્ય વિશ્વ ફલક પર ત્રિરંગો લહેરાવવાનું છે. ગાંધીનગર જૂના સચિવાલયમાં ફરજ બજાવતા રામસિંહ નડિયાદ સ્થિત એસ.એ.જી. સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉચ્ચ સ્તરીય અને કઠોર તાલીમ લઈ રહ્યા છે.
રામસિંહે 2023 એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક તથા 2024 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. હવે તેમની નજર 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 પેરાલિમ્પિક્સમાં વધુ મોટી સફળતા હાંસલ કરવા પર છે.
રામસિંહ પઢિયારે જણાવ્યું કે રાજ્ય સરકારની ‘શક્તિદૂત યોજના’, સેન્ટર ઑફ એક્સેલન્સ (COE), DLSS અને ખેલ મહાકુંભ જેવી પહેલોથી ખેલાડીઓને આધુનિક માળખાગત સુવિધાઓ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સના આયોજનની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં પેરા-સ્પોર્ટ્સને પણ સર્વાંગી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
જિલ્લા રમતગમત વિકાસ અધિકારી, નડિયાદ, ડૉ. મનસુખ તાવેટિયાએ જણાવ્યું કે હાલ રામસિંહનું સંપૂર્ણ ધ્યાન 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 પેરાલિમ્પિક્સ પર કેન્દ્રિત છે. સરકારી ફરજ અને રમત પ્રત્યેના સમર્પણના ઉત્કૃષ્ટ સમન્વય સાથે તેઓ આગામી વૈશ્વિક સ્પર્ધાઓમાં દેશ માટે સુવર્ણ સફળતા મેળવવા અથાક પરિશ્રમ કરી રહ્યા છે. VNI NEWS, Ramsinh Padhiar, Para Athlete, Los Angeles Paralympics 2028, Para Athletics, Asian Para Games 2026, Gujarat Sports, Gujarat Government, Long Jump, High Jump, Gujarat Para Athlete, VNINews, VNINews.com
