Ahmedabad, Gujarat, May 06, ગુજરાત ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે હાલમાં જ શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય વિજયશીલચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાન ‘શબ્દસંપદા’નું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક રૂષિરાજના જૈનસાહિત્યગ્રંથ ‘શિશુપાલ રાસ’ અને જૈન સાહિત્યસર્જક સોમસુંદરસૂરિના જૈન સાહિત્યગ્રંથ ‘રંગસાગર નેમિનાથ ફાગુ’ વિશે પ્રો. હૃષીકેશ રાવલે મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
હૃષીકેશ રાવલ : નરસિંહ મહેતા પહેલાં જૈન આચાર્યો દ્વારા રચાયેલ સાહિત્યથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઘણું સમૃદ્ધ બન્યું હતું એ પરિપાટીએ સંવત ૧૬૩૫ માં પૂ. ઋષિરાયજીએ ૩૩૩ કડીઓમાં ચોપાઈ બંધમાં શિશુપાલ રાસની રચના કરી હતી. મૂળ ચાર મિત્રોની કથા શાંત રસથી શરૂ થઈ ને સંયમ, ત્યાગ અને ધર્મ શરણના ઉપબોધ સાથે આ રાસ પૂર્ણ થાય છે. પરંતુ, તે સર્જકની બહુશ્રુતતા તથા અનેક ભાષાઓ ઉપરના પ્રભુત્વની પરિચાયક છે
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સં. ૧૪૫૦ થી ૧૫૦૦નો સમય સોમસુંદર યુગથી પ્રસિદ્ધ હતો. તે યુગ પ્રધાન આચાર્ય શ્રી સોમસુંદર સૂરીએ સં. ૧૪૪૫ માં રંગસાગર નેમિનાથ ફાગુની રચના કરી હતી. આમ આરંભે નેમિનાથ અને રાજીમતીની પ્રણય કથા અંતે જતાં સંસાર ત્યાગની બની જતી કથા જૈન કવિઓનું આકર્ષણનું કેન્દ્ર છે. કવિએ નેમિનાથના જન્મથી માંડીને રાસલીલા, શ્રુંગાર કથા, લગ્ન અને સંસાર ત્યાગની સાથે રાજીમતીના વિરહની પણ ઉત્તમ કથા બની જાય છે. અનેક પ્રકારની કાવ્ય ચમત્કૃતિ ઓથી ભરપૂર આ કથા કાવ્યતત્વની દ્રષ્ટિએ પણ ઉત્તમ બની જાય છે
