Spread the love

Ahmedabad, Gujarat, Mar 23, ગુજરાત ના અમદાવાદમાં જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું.
સંચાલન જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ૨૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર ગિરા પિનાકિન ભટ્ટ દ્વારા એમની વાર્તા ‘જો પપ્પાને બદલી શકાતા હોત તો…’નું પઠન કરવામાં આવ્યું હતું.
‘આખો દિવસ કોઈના પપ્પા ઘરમાં ન રહે ને મારે તો આખો દિવસ એમનું મોં જોવાનું અને આખો દિવસ એમની ટક ટક જ સાંભળવાની’ – એવી સહજ ફરિયાદ કરતો નાનકડો ધ્વનિલ એક ચિઠ્ઠી લખે છે કે ‘જો પપ્પાને બદલી શકાતા હોત તો…’ પણ એ ચિઠ્ઠી કોઈને બતાવતો નથી.
ધ્વનિલને વારંવાર વિચાર આવે છે કે મમ્મી કરતા તો ઘરમાં આખો‌ દિવસ વ્હીલચૅરમાં ફરતા રહેતા પપ્પા જ નોકરીએ જતા હોય તો કેવું સારું! સ્કૂલના દફતરથી માંડીને નાની અમથી બાબતોમાં પપ્પા તરફથી સતત થતી ટોકાટોકીથી ધ્વનિલના ચિત્રનો રંગ જાણે ખરડાતો‌ રહે છે. ક્યારેક તો એને થાય છે કે ‘આ માણસના પગ કપાઈ ગયા એના કરતા જીભ કપાઈ ગઈ હોત તો સારું હતું’
ધ્વનિલના પિતા સરલ મીલીટરીમાં હતા. પગ કપાયાની ઘટના પછી ધ્વનિલના મમ્મીને નોકરી કરવાની ફરજ પડી હતી. સરલ હવે ઘરમાં રસોઈ બનાવતો હતો અને પત્ની હેલી ઘરની કોઈ પણ જાતની ચિંતા વગર નોકરી કરતી હતી. મમ્મી પ્રત્યેનું પપ્પાનું વર્તન એને સ્નેહાળ જણાતું હતું, પણ પોતાના તરફનું વલણ તો એને ડિસિપ્લિનનો ડબ્બા જેવું લાગતું હતું.
દરમિયાન હેલી એક દિવસ બીમાર પડે છે. સરલ આખી રાત જાગતો રહે છે. એણે ધ્વનિલ અને હેલીને કહ્યું પણ ખરું કે ‘તમને બંને મારા શ્વાસ ને પ્રાણ છો. જો તમારામાં બેમાંથી કોઈને કંઈ પણ થાય ને તો…’ ને એટલું બોલતાં તો એની આંખો ભીની થઈ ગઈ.
ધ્વનિલ એ સમયે મમ્મીના કપાળેથી ભીનું પોતુ બદલતા પપ્પાને જોઈ રહ્યો. એણે લખેલી ચિઠ્ઠી ‘પપ્પાને બદલી શકાતા હોત તો…’ ને ડસ્ટબીનમાં નાખી દીધી. પોતાની ભૂલ સુધારી લેવા નવી ચિઠ્ઠી લખી: ‘હું તો આજ પપ્પાને આવા જ પપ્પાને પસંદ કરું.’ અને એણે બોલેલા આ શબ્દો સાથે વાર્તા પૂરી થાય છે:’તમે મારા પપ્પા જ નથી મારી મમ્મીના પણ પપ્પા છો હો!’
એક રીતે આ વાર્તા કિશોરવયના બાળકની મન:સ્થિતિનું પ્રાસંગિક આલેખન કરતી બની રહે છે. આ કાર્યશાળા પરિષદના પ્રમુખશ્રી હર્ષદભાઈ ત્રિવેદી અને કુમારના તંત્રી પ્રફુલ્લભાઇ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાથે સાથે મનહર ઓઝા, ચિરાગ ઠક્કર, ચેતન શુક્લ, ડૉ. હર્ષદ લશ્કરી, દીના પંડ્યા, નિર્મલા મેકવાન, ખ્યાતિ આચાર્ય, બીના પીઠડિયા, સંતોષ કરોડે, સલીલ મહેતા, રીટા ચૌહાણ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *