Spread the love

Ahmedabad, Sep 15, Gujarat ના અમદાવાદમાં વાર્તા  ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન કરવામાં આવ્યું.
સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર નરેન્દ્રસિંહ રાણા દ્વારા એમની વાર્તા  ‘નીલકંઠ મહેતા આખરે હતો કોણ’નું પઠન કરવામાં આવ્યું હતું.
વાર્તા કંઇક આ રીતે છે: કથાનાયકના પિતા નીલકંઠ ધીરુભાઈ મહેતા મૃત્યુ પામ્યા ત્યારે તેની ઉંમર એક વર્ષની હતી. દીવાલ પરનો ફોટો જોઈ નાયકને નીલકંઠ મહેતા વિશે જિજ્ઞાસા થાય છે. એમના વિશે જે કંઈ થોડી ઘણી માહિતી મળી, તે પોતાની મા તરફથી મળી હતી. મા પણ નાયક સાતમા ધોરણમાં આવે છે ત્યારે બાપની બાજુમાં હારવાળો ફોટો બની જાય છે.
એ પછી સમય જતાં ગામ છૂટી જાય છે . મામાને ત્યાં ઉછેર થાય છે. મામા બાપને ધિક્કારતા હોય છે, પણ માને બાપ પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી.  એ પછી ઉંમર થતાં નાયક પોતાનું ઘર લે છે.  એ ઘરની દીવાલ પર માનો ફોટો તો રાખે છે, પણ બાપના ફોટાને માળિયામાં ફેંકી દે છે.  એ પછી એક વખત  વતનથી કોર્ટનો એક ઓર્ડર આવે છે. એ ઓર્ડર પ્રમાણે વતનના ઘર પર કોઈએ દાવાઓ માંડ્યો હોય છે.  એ વતનમાં જઈને દાવો કરનારને મળે છે અને એને એ ઘર સોંપી દે છે. એ વખતે સ્વપ્નમાં પિતા-પુત્ર વચ્ચે સંવાદ થાય છે. એ જે દંપતિને મળ્યો હતો એના અભિપ્રાય પણ પિતા નીલકંઠ મહેતા વિશે સામસામા છેડાના હોય છે. ત્યાંથી એ નીકળીને તળાવના કિનારે આવે છે.  એક સંન્યાસીને ત્યાં મળે છે.  સંન્યાસી તેને એક ઉદાહરણ આપી સમ્યક્ દષ્ટિ રાખવા કહે છે. પરંતુ  નાયક જ્યારે નીલકંઠ મહેતાનું નામ ઉચ્ચારે છે ત્યારે સંન્યાસી પણ સમ્યક્ રહી શકતા નથી.  સન્યાસીની દ્રષ્ટિ પણ ધૂંધળી બની જાય છે. છેવટે  નાયક પોતાના પિતા વિશેની ખણખોદ પડતી મૂકી પિતા નીલકંઠ ધીરુભાઈ મહેતા એક માણસ તરીકે  સ્વીકારી લે છે.
વિવિધ પાત્રો દ્વારા એક વ્યક્તિની સામસામા છેડાની લાક્ષણિકતાઓનું નિરૂપણ વાર્તાનું મુખ્ય ચાલકબળ બની રહે છે. આ કાર્યશાળામાં જાણીતા બાળસાહિત્યકાર નટવર પટેલની વિશેષ ઉપસ્થિતમાં  દીનાબેન પંડ્યા, ડો. હર્ષદ લશ્કરી, ચિરાગ ઠક્કર, નિર્મળા મેકવાન, પ્રિયંકા જોશી, અશોક નાયક, જયદેવસિંહ રાણા તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.