Ahmedabad, Gujarat, Dec 15, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર સાગર શાહએ એમની વાર્તા ‘ડાકણ’નું પઠન કર્યું હતું.
પાક્ષિકીના સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે હાલમાં શ્રી સાગર શાહએ વાર્તાની શરૂઆત કરતાં કહ્યું ‘ખબર નહીં એ શું હતું. પહેલીવાર જ હું આવી કોઈ જગાએ આવેલો…. એ વાક્યથી થાય છે. એ પછી એક નવો પરિવેશ ઊઘડી આવે છે. નાયક એક અકળ વસાહતના મેઇન ગેટ આગળ આવીને ઉભો રહે છે.ઝાંપાની સ્ટાપડી ખખડાવે છે. ઝાંપા પાછળ એક પીંખાયેલા વાળવાળી વૃદ્ધા ઊભી હોય છે. તો સામેની બાલ્કનીમાં એક ભરાવદાર ગોરી ગોરી વૃધ્ધા આવી ઊભી રહે છે. સ્ત્રીઓએ કાળાં વસ્ત્રો ધારણ કરેલાં હોય છે. બંનેની ભાષા સમજાય એવી નથી. ઝાંપા પર રહેલી ચોકીદાર સ્ત્રી સાથે એ કંઈક વાત કરે છે, પણ નાયકને સમજાતી નથી. આઠ-નવ ભાષામાં લખાયેલ એક બોર્ડ પરથી નાયકને સમજાય છે કે તે men not allowed વાળી કોઈ જગાએ આવી ગયો છે.
પરંતુ પોતાને નાયકની નાની ગણાવતી એક સ્ત્રી એને પોતાની સાથે સ્ત્રીઓની એક નવી જ દુનિયામાં લઈ જાય છે. એક આફ્રિકન જેવી સ્ત્રી સ્ટેજ પર કોઈ મહારાણીની જેમ બેઠી હોય છે. ત્યાં ત્રણ શિલ્પ હોય છે. નાયકની છાતીના વાળ ઉતારી એના વડે શિલ્પનો અભિષેક કરવામાં આવે છે.આ ક્રિયા ઘણો સમય ચાલે છે. નાયકને કશું સમજાતું નથી. તે સ્ત્રીઓને આ વિધિ વિશે પૂછે છે પણ કોઈ કશું કહેવ તૈયાર નથી. પરંતુ એ પ્રાર્થનાનો ભાવાર્થ જણાવવા તૈયાર થાય છે. એક સ્ત્રી એનો ભાવાર્થ કહે છે જે મહારાણીએ હવામાં આંગળી વડે લખેલ કોઈ યુક્તિ ને કારણે ગુજરાતીમાં સંભળવા લાગે છે : અમે નથી દેવી નથી ડાકણ નથી, શિકારી નથી મારણ….માણસ તરીકે અમે જીવીએ.મરીએ.
વિધિ પૂર્ણ થતાં મહારાણી નાયક ને જવા માટે કહે છે. પેલી સ્ત્રી જે એને લઈ ગઈ હોય છે અને પોતાને નાયકની દાદી તરીકે ઓળખાવતી હોય છે એ હવે તેને ઝાંપા સુધી આવી ને વળાઈ જાય છે. દરમિયાન નાયકનું સ્વપ્ન તૂટી જાય છે. એ પોતાની મમ્મીને કહે છે કે મને સપનામાં નાની આવી હતી. ત્યારે એની મમ્મી કહે છે કે તો ડાકણ હતી ડાકણ.
ફેન્ટસી, પરાવાસ્તવ અને સ્વપ્નનો એક યુક્તિ તરીકે સફળ વિનિયોગ કરીને કહેવાયેલી આ વાર્તા છેક સુધી ભાવકને પોતાના પ્રવાહમાં ખેંચી રાખે છે. આ કાર્યશાળા જાણીતા વાર્તાકાર કેશુભાઈ દેસાઈ, પ્રફુલ્લ રાવલ, કિરીટ દૂધાત અને અશોકપુરી ગોસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
સાથે સાથે સંતોષ કરોડે, મનહર ઓઝા, ચેતન શુક્લ, ડો. હર્ષદ લશ્કરી, પૃથ્વીશ શાહ, મુકુલ દવે, જિગર વાઢેર, ભાવિક ઠક્કર, રાજુ રાઠોડ, રત્નાકર મહેતા તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.