અમદાવાદ, 29 જુલાઈ, કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે રવિવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નિબંધકાર, વાર્તાકાર, આત્મકથાકાર અનિલ જોશીના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દજયોતિ’અંતર્ગત સાહિત્યકાર અનિલ જોશીએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.
અનિલ જોશીએ કહ્યું કે કવિતા આત્માની કલા છે.કવિતાનો આનંદ બ્રહમાનંદ છે.અત્યારે કવિતા લખવાનો ગૃહઉદ્યોગ ચાલે છે એવું લાગે છે.પ્રથમ કવિતા ‘કુમાર’માં પ્રકાશિત થઇ ત્યારે મારો જન્મ થયો એવું હું માનું છું.મેં અને રમેશ પારેખે સંયુક્ત રીતે ઘણાં ગીત લખ્યાં.જે પ્રકાશિત પણ થયેલ છે.કવિ નિરંજન ભગતના સત્સંગથી વિદેશી સાહિત્યસર્જકોનો પરિચય પણ થયો.અત્યારે હું વિશ્વની તમામ ભાષામાં લખાતી કવિતાઓ વાંચું છું.સાહિત્યના અન્ય પ્રકારમાં ખેડાણ રહેલું છે.પણ,ગીતનો લય ગીત લખાવીને જ રહે છે.
આ પ્રસંગે અનિલ જોશીના પુત્ર સંકેત જોશી સાથે અન્ય પરિવારજનો અને જ્ઞાનપીઠ પુરસ્કૃતસર્જક રઘુવીર ચૌધરી,પદ્મશ્રી કુમારપાળ દેસાઈ,ભાગ્યેશ જ્હા, પ્રકાશ ન.શાહ,રાજેન્દ્ર શુક્લ,સતીશ વ્યાસ,વિજય પંડ્યા,જનક દવે,ભરત જોશી,માણેકલાલ પટેલ,ધીમંત પુરોહિત,અમિતાભ મડિયા સહિત અન્ય વિદ્યાર્થીઓ,સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.