~સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2026ના અંતિમ દિવસે પ્રો. રાજવી ઓઝા અને પ્રો. યોગિની વ્યાસે આચાર્ય અભિનવગુપ્ત, અભિનવભારતી અને ભારતીય રસસિદ્ધાંત પર વક્તવ્યો આપ્યાં.

Ahmedabad, Gujarat, Oct 25 (VNI) : ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના પાંચમા અને અંતિમ દિવસે રવિવારે સંસ્કૃતના મહાન સર્જક આચાર્ય અભિનવગુપ્ત વિશે પ્રો. રાજવી ઓઝાએ તથા તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘અભિનવભારતી’ વિશે પ્રો. યોગિની વ્યાસે મનનીય વક્તવ્યો આપ્યાં હતાં.

પ્રો. રાજવી ઓઝાએ આચાર્ય અભિનવગુપ્તના જીવન અને પ્રદાન વિશે જણાવ્યું હતું કે તેઓ કાશ્મીર શૈવદર્શનથી લઈને ભારતીય સૌંદર્યમીમાંસા સુધીની જ્ઞાનપરંપરાના અદ્વિતીય દાર્શનિક, તંત્રચિંતક, બહુશાસ્ત્રવિદ્ અને રસસિદ્ધાંતના મહાન આચાર્ય હતા. તેમના પૂર્વજ અત્રિગુપ્ત કનોજ પ્રદેશમાંથી કાશ્મીરના રાજા લલિતાદિત્યના આમંત્રણથી કાશ્મીરમાં વસ્યા હતા. અભિનવગુપ્તે પોતાના મહાગ્રંથ ‘તંત્રાલોક’માં પૂર્વજોનો પરિચય આપ્યો છે, જે તેમના આત્મકથનાત્મક નિરૂપણ તરીકે મહત્ત્વ ધરાવે છે. ‘તંત્રાલોક’, ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ જેવી મહત્ત્વપૂર્ણ કૃતિઓ દ્વારા તેમણે ભારતીય દર્શનશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને રસસિદ્ધાંતને સમૃદ્ધ બનાવ્યાં હતાં. અનેક ગુરુઓ પાસેથી વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે દર્શન, સાહિત્ય, કલા અને અધ્યાત્મનો અદ્વિતીય સમન્વય સાધ્યો હતો. પરંપરાગત ઉલ્લેખો અનુસાર, તેમણે આશરે 44 કૃતિઓનું સર્જન કર્યું હતું. આજીવન મહેશ્વરભક્તિ અને શિવસાધનામાં લીન રહેનારા આચાર્ય અભિનવગુપ્તના આધ્યાત્મિક જીવન અને પ્રદાનનો ભારતીય બૌદ્ધિક તથા આધ્યાત્મિક પરંપરામાં અમૂલ્ય વારસો રહ્યો છે.

પ્રો. યોગિની વ્યાસે ‘અભિનવભારતી’ વિશે પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે ભારતીય નાટ્યશાસ્ત્રીય પરંપરામાં આચાર્ય ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથોમાંનું એક છે. આ ગ્રંથ પર કાશ્મીરના વિદ્વાન આચાર્ય અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ નામે સુપ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યા લખીને ભારતીય સાહિત્યશાસ્ત્રને અમૂલ્ય પ્રદાન કર્યું છે. રસસિદ્ધાંતની ગહન અને સૂક્ષ્મ મીમાંસાને કારણે ‘અભિનવભારતી’એ ભારતીય જ્ઞાનપરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગ્રંથ માત્ર નાટ્યશાસ્ત્રનું માર્ગદર્શન પૂરું પાડતો નથી, પરંતુ ભારતીય કલા, સૌંદર્યશાસ્ત્ર અને આધ્યાત્મિક અનુભવને સમજવા માટે પણ મહત્ત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે.

‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’નું આયોજન 21થી 25 ઑક્ટોબર દરમિયાન સતત પાંચ દિવસ સુધી દરરોજ સાંજે 5:30 કલાકે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા મૈત્રેયી મહેશ લાલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય, ભારતીય દર્શન અને જ્ઞાનપરંપરાને લગતા વિવિધ વિષયો પર વક્તવ્યો યોજાયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. VNI NEWS, સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2026, આચાર્ય અભિનવગુપ્ત, પ્રો. રાજવી ઓઝા, પ્રો. યોગિની વ્યાસ, અભિનવભારતી, તંત્રાલોક, નાટ્યશાસ્ત્ર, કાશ્મીર શૈવદર્શન, Sanskritparv 2026, Vagmadhoori 2026, Abhinavagupta, Abhinavabharati, Rajvi Oza, Yogini Vyas, Sanskrit Literature, Indian Aesthetics, Rasa Siddhanta, Tantra Loka, Gujarati Sahitya Parishad, Om Communication, Ahmedabad Events, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *