~ધુમ્મસભરી પહાડીઓ, હરિયાળી ઘાટીઓ અને ઝરણાં વચ્ચે સાપુતારામાં મોન્સૂન મહોત્સવ રંગત જમાવી રહ્યો છે, જેમાં પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક રોજગારીનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે.

Gandhinagar, Gujarat, Aug 14 (VNI): ધુમ્મસભરી પહાડીઓ, હરિયાળી ઘાટીઓ અને ધસમસતા ઝરણાં સાથે સાપુતારા ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક હસ્તકળા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યાં છે.
ડાંગના સાપુતારા ખાતે યોજાઈ રહેલા મોન્સૂન મહોત્સવે પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક રોજગારીનો ત્રિવેણી સંગમ સર્જ્યો છે. વાદળોની ગોદમાં ખીલેલી કુદરતી સુંદરતા, લોકનૃત્યો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહી છે.
મહોત્સવ સ્થાનિક આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણનું માધ્યમ પણ બન્યો છે. પ્રવાસન વિભાગ અને DRDAના સહયોગથી સ્થાનિક મહિલાઓએ પરંપરાગત વાનગીઓના સ્ટોલ શરૂ કર્યા છે. વાંસકામ, મુખોટા અને ભીંતચિત્રો બનાવતા કારીગરોને પોતાના ઉત્પાદનોના સીધા વેચાણ માટે મંચ મળતાં તેમની આવકમાં વધારો થયો છે.
વિદેશી પ્રવાસી ફેન્ટા કાંટે, સ્થાનિક પ્રવાસી મુક્તિ પટેલ અને ખાદ્ય સ્ટોલ સંચાલક મંગીબેન ખસેએ મહોત્સવને પ્રકૃતિ અને સ્થાનિક સંસ્કૃતિને નજીકથી અનુભવવાની તક ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, મહોત્સવને કારણે સ્થાનિક મહિલાઓ, કારીગરો અને નાના વેપારીઓ માટે રોજગારી તથા આવકની નવી તકો ઊભી થઈ છે.
આદિવાસી કારીગર અશ્વિનભાઈ જી. ચૌધરી અને કાર્યક્રમ આયોજક આયુષી ઠક્કરે જણાવ્યું હતું કે રોપ-વે, નૌકાવિહાર, ટ્રેકિંગ અને આદિવાસી કળાનું જીવંત પ્રદર્શન સાપુતારાને સાહસ અને સંસ્કૃતિના અનોખા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી સ્થાનિક વેપારને વેગ મળ્યો છે અને પ્રકૃતિ તથા વિરાસતનો સંગમ મુલાકાતીઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે. VNI NEWS, Saputara Monsoon Festival, Saputara Tourism, Gujarat Tourism, Dang Tourism, Monsoon Festival Gujarat, Tribal Culture Gujarat, Dang, Saputara Tourism, Tribal Culture, Gujarat Travel, Monsoon Tourism, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *