ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.
જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૬૬૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૧૨,૧૫૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૮૭ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે઼
ઋચા રાવલે જણાવ્યું કે આજે સવારે ૦૮૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના ૩૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૯.૮૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૬.૩૭, કચ્છના ૨૦માં ૨૮.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.