Ahmedabad, Gujarat, May 12, ગુજરાત ના અમદાવાદમાં વાર્તાકાર પ્રવીણ સરવૈયાએ તેમની અપ્રકાશિત વાર્તા ‘સ્પાઈડરમેન’નું પઠન કર્યું હતું.
જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર પ્રવીણ સરવૈયાએ તેમની અપ્રકાશિત વાર્તા ‘સ્પાઈડરમેન’નું પઠન કર્યું હતું, જે બેઠકનું સંચાલન ચેતન શુક્લએ કર્યું હતું.
વાર્તા એક શાળાના પ્રિન્સીપાલની છે જે રોજની સમસ્યાઓથી ઘેરાયેલો અને કંટાળેલો છે. જેને એક દિવસ પોતાના કાર્યાલયમાં કોઈ અજાણ્યો અવાજ બોલાવે છે. એ અજાણ્યો અવાજ તેની ખુરશીની પાઈપમાં બેઠેલા એક કરોળિયાનો છે જેની સાથે એ સંવાદ કરે છે. કરોળિયા સાથેના સંવાદ દ્વારા એને રોજની અગવડો વિશે કોઈક સમાધાન અથવા આશ્વાસન મળે છે.
આ આશ્વસ્ત થયેલો માણસ ઘેર પહોંચીને ખુશખુશાલ જોવા મળે છે. આ ફેરફાર એની પત્નીને પણ નવાઈ પમાડે છે. આનંદિત થયેલો એ માણસ સૂતાં પહેલાં પણ કરોળિયાના વિચારોમાં ખોવાયેલો રહે છે. અને રાત્રે સ્વપ્નમાં એને કોઈ અજાયબ અનુભવ થાય છે. કોઈ સ્વર્ગ જેવી અનુભૂતિ પામીને ખુશહાલ બનેલો એ સવારે વહેલો કાર્યાલય પર પહોંચે છે.
રોજ કરતાં વહેલો પહોંચેલો એ કાર્યાલય પર પહોંચે છે ત્યારે એક ફોન આવે છે. આ ફોન દ્વારા શું થાય છે એટલે કે અંત શું આવે છે એ માટે આ વાર્તા વાંચવી પડે…એક રસપ્રદ વાર્તા.
વાર્તા બાબતે ચર્ચા માટે આ કાર્યશાળામાં પ્રફુલ્લ રાવલ, કિરીટ દૂધાત, જયંત ડાંગોદરા, ચિરાગ ઠક્કર, મનહર ઓઝા, સાગર શાહ, દીના પંડ્યા, પરિક્ષીત જોશી, પ્રિયાંશુ પટેલ, રાધિકા પટેલ, હેમંત વાળા, મુકુલ દવે, ડૉ. વિક્કી પરીખ અને અશોક નાયક ઉપરાંત અન્ય ભાવકો હાજર રહ્યાં હતાં.
કાર્યશાળાના અંતે છેલ્લાં અમુક વર્ષોથી પાક્ષિકીનું સુપેરે સંચાલન કરવા બદલ ડૉ. ભગીરથ લશ્કરી દ્વારા જયંત ડાંગોદરાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
