Ahmedabad, Gujarat, Mar 27, કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૭ માર્ચ, ગુરુવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, વિવેચક હેમન્ત ગુલાબભાઇ દેસાઈના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દાશ્રય’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દાશ્રય’ અંતર્ગત હેમન્ત દેસાઈના જીવન અને વિવેચન વિશે પ્રો.સંધ્યા ભટ્ટે અને હેમન્ત દેસાઈની કાવ્યસૃષ્ટિ વિશે પ્રો.રમેશ મહેતાએ મનનીય વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
પ્રો. સંધ્યા ભટ્ટ : દક્ષિણ ગુજરાતના અમલસાડ પાસેના ગામમાં 27 માર્ચ, 1934 મા હેમન્ત દેસાઈનો જન્મ થયો. તેમની કર્મભૂમિ અમદાવાદ અને રાજકોટ રહી.કાવ્યદીક્ષા તેમણે કવિ ઉશનસ્ પાસેથી મેળવી અને પીએચ. ડી. નો મહાનિબંધ ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિનિરુપણ’ તેમણે મૂર્ધન્ય વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લખ્યો. તેમનું ‘કવિતાની સમજ’ પુસ્તક ખૂબ વખણાયું છે અને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પણ થયું છે.ઊંચા બરના કવિ, વિદ્વાન વિવેચક અને ઉમદા વ્યક્તિ તરીકે તેઓ કાયમ યાદ રહેશે.
પ્રો. રમેશ મહેતા : ઈ.સ. 1957થી કાવ્યક્ષેત્રે સર્જનશીલ થયેલા હેમન્ત દેસાઈએ પોતીકી મુદ્રાથી કાવ્ય પ્રવાહને પૃષ્ટ કરવાનું સર્જીકીય કાર્ય કર્યું છે. તેમનાં પાંચ કાવ્યસંગ્રહોમાં તેમણે સૉનેટ, છાંદસ કાવ્યો, ગીત-ગઝલ અને અછાંદસ કાવ્યો જેવા સ્વરૂપો ખેડ્યાં છે. પ્રણય-પ્રકૃતિ-ચિંતન અને સામાજિક નિસબત તેમનાં કાવ્યોનાં પ્રમુખ વિષયો છે. છંદની ચુસ્તી , લયની સંપ્રજ્ઞતા અને પ્રશિષ્ટ કાવ્યબાની તેમની અભિવ્યક્તિનો વિશેષ છે. સ્વાતંત્ર્યોત્તર યુગના નોંધપાત્ર કવિ તરીકે તેમનું પ્રદાન યાદગાર રહેશે.
