Spread the love

Ahmedabad, Gujarat, Nov 02, સમીક્ષક, વાર્તાકાર, અનુવાદક, નિબંધકાર, સંપાદક સુમન શાહના 87મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે 01 નવેમ્બર, શનિવારે, સાંજે 0530 કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા સમીક્ષક, વાર્તાકાર, અનુવાદક, નિબંધકાર, સંપાદક સુમન શાહના 87મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દજયોતિ’ અંતર્ગત સુમન શાહે પોતાના જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
સુમન શાહ : મારું સ્મરણ નગર એક પ્રકારે ભુલભુલામણી વાળું પણ છે. એમાં ધૂળિયા રસ્તા પણ છે અને એમાં કમળ પણ ખીલેલા છે. એમાં અલગ અલગ વાડાઓમાં વહેંચાયેલો સમાજનો ભેદ પણ છે. મારી બાએ હથેળીમાં હથેળી મૂકીને આંક શીખવાડ્યા જેમાં આંકડાઓ તો ઠીક પણ મને એ હથેળીની હૂંફ હજુય યાદ છે. હું નાનપણમાં કાળી માટીના રમકડાં બનાવતો. ક્રિકેટમાં બોલ વાગે ને આંખે ઇજા થાય એટલે પિતાજીએ મનાઈ કરી હતી અને એક વાર હુતુતૂ રમવામાં પગ છોલાયો ને મેં પડતું મૂક્યું. શાસ્ત્રીય સંગીતનું ત્રણ વર્ષ જ્ઞાન લીધું પણ પિતાજીએ કહ્યું કે ગવૈયા નથી થવાનું એટલે એ પણ અધૂરું મૂક્યું.
મેં એકવાર કોડીનો જુગાર રમવાનો પ્રયાસ કર્યો પણ પિતાજીના મારે એ ભૂલાવી દીધું.
મારી વાર્તાઓમાં ભાવકોને પમાતાં લય અને ચિત્રાત્મકતા મારા ભૂતકાળના અનુભવોની નીપજ છે. થવું હતું આર્કિટેક્ટ પણ પરીક્ષામાં 35 ટકા જ આવ્યા એટલે સીએ થવાનું વિચાર્યું પણ બે વર્ષ બગાડ્યા બાદ બીએ કરવાનું વિચાર્યું. સુરેશ જોશીનું નામ સાંભળીને મને એ નવી દિશા મળી અને એમની પાસે હું એમએ થયો. પ્રોફેસર બન્યો. કોલેજમાં મારી બાએ મારું વ્યાખ્યાન સાંભળવાની વાત કરી અને મારું વ્યાખ્યાન એણે સાંભળ્યું પણ ખરું. અત્યારે તમારા જ ભોગવટાની વસ્તુઓ ઝૂંટવાઈ ગઈ છે અને કહીએ તો ઓળખનો જ પ્રશ્ન ઊભો થઈ ગયો છે. અત્યારે આપણા અંતરંગ સંબંધો ઢીલાં પડી ગયા છે અને સંબંધ ગુમાવી દેવાની ભીતિ થઈ ગઈ છે. અત્યારે છૂટાછેડા સુખદ ગણાય છે.
વડોદરામાં સુરેશ જોશીના સલાટવાડામાં વાર્તા માટેની ચર્ચા માટે ભેગા થતા અને વિદેશી લેખકો વિશેની જાણ થાય અને મને એ વિશેની ઇંતેજારી થતી ગઈ. લેખક તરીકેની મારી જિજ્ઞાસા વધી ગઈ. અમે તો કૃતિલક્ષી જ વિવેચન શીખ્યા જેમાં કર્તા નહીં પણ કૃતિનું જ મહત્ત્વ રહેતું. આપણા સાહિત્યકારને કેમ ઉજવવા જોઈએ એ અત્યારના લોકોને સમજ જ નથી. લેખક અને વાચકના સંબંધોમાં તૂટફૂટ હશે તો એ ખોટું કહેવાય. આ અનુબંધ હોવો જોઈએ. જેમ હું ગાંધીજીની સ્મૃતિ અને કર્મભૂમિ જોવા માટે પોરબંદર ગયો તેમ હેમિંગ્વે જેવા ઘણા વિદેશી લેખકોની કર્મભૂમિ જોવા પણ ગયો છું. આ બધું કરવાથી આપણા લેખમાં ધાર આવે તેમ હું માનું છું. હું ગુરુ શિષ્ય પરંપરામાં માનું છું, એ આપણી સંસ્કૃતિની અદ્ભુત વાત છે. છતાં હું “ગુરુ થા તું તારો” એ વાતની પણ પુષ્ટિ કરું છું. દેરીદાની ફિલોસોફી માં હું માનું છું કારણ કે તેમની સ્પિરિટમાં સાહિત્ય પણ છે તેમ સાર્ત્ર પણ મને ગમે છે. તમારા હોવાપણાની ઉપર તમારું શિક્ષણ પહેલ પાડવાનું કામ કરે છે.