Ahmedabad, Gujarat, Jan 26, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક સલિલ મહેતા દ્વારા એમના સોલિલોક્વી ‘સનાકાકાની સોલિલોકી’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે એમાં સનાકાકાની ભૂમિકા સ્વયં લેખકે જ્યારે મનહર ઓઝા અને હિમાલી મજમુદારે સુત્રધાર અને પ્રપૌત્રીના પાત્રનું પઠન કરવાની ભૂમિકા નિભાવી હતી.
પ્રવક્તાની પ્રસ્તાવનાથી નાટકની શરૂઆત થાય છે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનના એક કાર્યક્રમમાં ૧૦૫ વર્ષના સનાકાકા મુખ્ય મહેમાન છે. એનો પરિચય તેમની પાંચમી પેઢીની પ્રપૌત્રી કરાવે છે. અંગ્રેજો સામેની લડતમાં સનાકાકાએ પોતાના મિત્રો રમલો, મનિયો, કરસન, ઈકબાલ વગેરેની સાથે ઝંપલાવ્યું હતું. એ વખતે એમના માર્ગદર્શક હોય છે વેણુદાદા.
એક આંદોલન નિમિત્તે વેણુ દાદાને નડિયાદ ખાતેની સભાને સંબોધનાર ભરતલાલ દાદાને સંદેશો પહોંચાડવાનો હોય છે. રમલો આણંદથી નડિયાદ સુધી દોડીને એ સંદેશો પહોંચાડે છે. સભા શરૂ થઈ ગઈ હોય છે તો પણ સફાઈ કામદાર બનીને સંદેશો પહોંચાડીને જ જંપે છે.એ માટે રમલાને સિપાઈઓનો માર પણ ખાવો પડે છે. બીજો પ્રસંગ છે ‘ડેમ બિલાડી બાટલીના બુચ’ એટલે કે ‘ડેમ બ્લડી ધ સન ઓફ ધ બીચ’ કહીને ફટકારતા અંગ્રેજો સામે વંદે માતરમ્ બોલીને સત્યાગ્રહ કરવાનો. એ પછી અમદાવાદની જેલમાં ભૂખ હડતાલ અને છેવટે ખટારામાં બેસાડીને કોઈ દૂરના સ્થળે ભૂખ્યા તરસ્યા ઉતારી મૂકવાના પ્રસંગનું નિરૂપણ થયું છે. એક દલિત વૃદ્ધ આ સત્યાગ્રહીઓને રોટલો-પાણી આપીને એમની સેવા બજાવે છે. બધા સ્વસ્થ થાય છે અને પછી શરૂ થાય છે સત્યાગ્રહના રચનાત્મક કાર્યની વાત.
આ બધા પ્રસંગોમાં એક છે સનાદાદાનો જીવી સાથેનો પ્રેમપ્રસંગ. જે 15મી ઓગસ્ટે લગ્નમાં પરિણામે છે. એ નિમિત્તે વેણુદાદાની માર્મિક હાસ્ય ઉત્પન્ન કરતી ટકોર પણ પ્રેક્ષકો ને આનંદ આપે છે. તો ગાંધીજીનું દર્શન અને એ નિમિત્તે સનાકાકાની ભાવુકતા પણ અહીં છે. તો ઈકબાલના પાકિસ્તાન જતા રહેવાનો પ્રસંગ વિભાજનની વિભિષકાનો ઘા પણ તાજો કરે છે. છેલ્લો પ્રસંગ છે ભદ્રના કિલ્લા પર તિરંગો ફરકાવનાર મનિયાનું મૃત્યુ અને એ નિમિત્તે મનિયાની માતા દ્વારા બતાવવામાં આવતી દેશ પ્રત્યેની નિષ્ઠા અને બલિદાનની અદભુત કથા! તિરંગો ફરકાવતા મૃત્યુ પામેલો મનિયાને સ્મશાને પહોંચાડીને બધા પરત ફરે છે ત્યારે મનિયાની મા સૌને શીરો જમાડીને પોરસ ચડાવે છે. અંતે જ્યારે 15 મી ઓગસ્ટનો દિવસ આવે છે ત્યારે ભદ્રના કિલ્લા પર એક બાજુ તિરંગો ધીરે ધીરે ઉપર ચડી રહ્યો હોય છે અને બીજી બાજુ અંગ્રેજોનો ઝંડો નીચે ઉતરતો હોય છે ત્યારે શરૂ થાય છે રાષ્ટ્રગીત. એ રાષ્ટ્રગીતના ગાન સાથે સોલિલોક્વી પૂર્ણ થાય છે.
આ સોલિલોક્વીમાં દેશ માટે લડનાર સામાન્ય પ્રજાજનોના બલિદાનને યાદ કરવામાં આવ્યું છે. રચનાત્મક કાર્યની સુગંધ અને ઇતિહાસની ભાવપૂર્ણ ક્ષણોને એ જીવંત કરે છે.આ કાર્યશાળામાં જાણીતા સાહિત્યકાર પ્રફુલ્લ રાવલ, ડો. કેશુભાઈ દેસાઈ અને નટવર પટેલ અને નવનીત જાનીએ સોલિલોક્વી વિશે પોતાનાં મૂલ્યવાન અભિપ્રાયો આપવા સાથે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત જાણીતા સંશોધક રસિલા કડિયા, દીના પંડ્યા,ચિરાગ ઠક્કર, નિર્મળા મેકવાન, મુકુલ દવે, સ્વાતિ શાહ, પૂર્વી શાહ, અર્ચિતા પંડ્યા, જિગીષા પાઠક, આરતી શેઠ, દિપાલી વ્યાસ , અશ્વિન જે દેસાઈ, ભરત સાંગાણી તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.