~મહિલા રમતવીરોની સહભાગીદારીથી અને ખેલ મહાકુંભથી રમતગમત ક્ષેત્રે આવેલ ક્રાંતિ ગુજરાત માટે ગૌરવની વાત: SAG ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળા
~વર્ષ 2036ના ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ મેડલ ટેલીમાં ટોપ-10 માં આવે તેવો સરકારનો લક્ષ્યાંક
~મહિલાઓ એકબીજાનો હાથ પકડી આગળ વધે તે અનિવાર્ય: ઇન્ફ્લુએન્સર સપના વ્યાસ
Ahmedabad, Gujarat, March 15, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા વિશ્વ મહિલા દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા શક્તિને સન્માનિત કરવા માટે એવોર્ડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ આઈ. આર. વાળા, સ્પોર્ટ્સ ઓથોરિટ ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ અને અતિથિ વિશેષ જાણીતા ઈન્ફ્લુએન્સર સપના વ્યાસની ઉપસ્થિતિમાં રાજ્યની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને વિવિધ શ્રેણીમાં એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી આઈ. આર. વાળાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘ખેલ મહાકુંભ’ આજે એક વટવૃક્ષ બની ગયું છે. છેલ્લા ખેલ મહાકુંભમાં નોંધાયેલા 72 લાખ રમતવીરો પૈકી 29 લાખ મહિલા રમતવીરો છે, જે રાજ્યમાં રમતગમત પ્રત્યે વધતી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.
વધુમાં શ્રી આઈ. આર. વાળાએ ઉમેર્યું કે, સરકાર ‘ઇન-સ્કૂલ’ અને ‘DLSS’ જેવી યોજનાઓ દ્વારા ખેલાડીઓનો રહેવા, જમવા અને તાલીમનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. વર્ષ 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેલાડીઓ મેડલ ટેલીમાં ‘ટોપ-10’માં સ્થાન મેળવે તે માટે સરકાર અને વાલીઓના સામૂહિક પ્રયાસો અનિવાર્ય છે.
અતિથિ વિશેષ અને જાણીતા ઈન્ફ્લુએન્સર સુશ્રી સપના વ્યાસે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સ્ત્રીઓએ એકબીજાની દુશ્મન બનવાને બદલે એકબીજાનો હાથ પકડીને આગળ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. સમાજની જૂની માન્યતાઓને તોડીને મહિલાઓએ મજબૂત મિત્રતા કેળવવી જોઈએ, જે આજના માનસિક સ્વાસ્થ્યના યુગમાં અત્યંત અનિવાર્ય છે.
SJAGના પ્રમુખ તુષાર ત્રિવેદીએ એસોસિએશનના ઉદ્દેશ્ય વિશે વાત કરતા જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી SJAG ખેલાડીઓની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને કોઈ પ્રતિભાશાળી મહિલા ખેલાડી સન્માનથી વંચિત ન રહી જાય તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
એસોસિએશનના પેટ્રોન હિતેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે ગ્રામીણ અને શહેરી તમામ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ બનશે.
આ સમારોહમાં મહિલાઓને ‘ઇમરજિંગ પ્લેયર ઑફ ગુજરાત’, ‘પ્રાઈડ ઑફ ગુજરાત’, ‘કોન્ટ્રિબ્યુશન ઇન સ્પોર્ટ્સ’ અને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) નાં હોદ્દેદારો સહિત વરિષ્ઠ પત્રકારો, રમતગમત પ્રેમીઓ અને વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Emerging players: Bhargavi Bhagora (Archery), Pragnika Vaka (Chess), Charlie Solanki (Cricket).
Player of the Game: Maitri Padhiyar (Archery), Riddhiba Vaghela (Lacrosse), Kajal Vaja (Athletics), Pratha Pawar (Table tennis), Aahana George (Basketball)
Pride of Gujarat award: Parul Parmar (Para badminton), Nirma Thakor (Athletics – marathon), Opina Bhilar (Kho kho), Ritu Prajapati (Fencing), Garima Vyas (Para swimming), Drishti Pant (Football), Pooja Tikmani (Half-marathon).
Contribution in Sports Award: Rachana Kamani (football).
Lifetime Achievement Award: Norin J Vaipana (Fitness coach).
