Spread the love

~SMC પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધી ચાર મહિનામાં 12 મોટા NDPSના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા
~અત્યાર સુધીમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
~ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા
~SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે: મંત્રી હર્ષ સંઘવી
Gandhinagar, Gujarat, May 18, સ્ટેટ મોનીટરીંગ સેલે ૨૪ કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં દરોડા પડી NDPSના વધુ ત્રણ કેસ કર્યા.
સરકાર તરફ થી આજે વિપુલ ચૌહાણએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.
આજે SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, પાટણ અને સુરત શહેરમાં NDPSના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા SMCના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.”
નોંધનિય બાબત છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *