Spread the love

Ahmedabad, Gujarat, Jan 09, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) ના પ્રમુખ પી.ટી. ઉષાએ આજે કહ્યું, “ઓલિમ્પિક રમતના એસોસિએશનોને સાત લાખ ફાળવાતા હતાં તે રકમ હવે વધારીને 20 લાખ કરી દેવાઈ છે”.
પી.ટી. ઉષાએ આઈઓએની એજીએમ બાદ અમદાવાદમાં કહ્યું કે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને તેના માટે માળખાકીય તૈયારીઓ થઈ રહી છે ત્યારે એ ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં ગુજરાત દેશનું સ્પોટર્સ હબ બનશે. દેશની નજર 2036ના ઓલિમ્પિકના યજમાન પદ પર છે ત્યારે દેશના ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં વધુને વધુ મેડલ મેળવે એ માટેના પગલાં આઈઓએ દ્વારા લેવાઈ રહ્યા છે. ઓલિમ્પિક રમતના એસોસિએશનોને સાત લાખ ફાળવાતા હતાં તે રકમ હવે વધારીને 20 લાખ કરી દેવાઈ છે. એટલું જ નહીં આઈઓએ જે પણ એસોસિએશનને રમતના વિકાસમાં જે પણ કોઈ માર્ગદર્શનની જરૂર હોય તે આપી રહ્યું છે જેથી દેશમાં રમત અને રમતવીરોનો વિકાસ થઈ શકે.
પીટી ઉષાએ અમદાવાદમાં કહ્યું કે આ કોન્કલેવમાં અમે દેશભરના રમત એસોસિએશનોના અધિકારીઓ, ટોચના ખેલાડીઓ, સાનિયા મિર્ઝા અને અજિત અગરકર જેવા ટેનિસ અને ક્રિકેટના ખેલાડીઓને બોલાવીને રમતમાં મેડલ માટેની તૈયારી સંદર્ભે માર્ગદર્શન માટેના પ્રયાસ શરૂ કર્યા છે. અમે ખેલાડીઓ, રમતના વહિવટકારો અને રમત સાથે અન્ય રીતે સંકળાયેલાઓને એક છત્ર હેઠળ લાવીને રમતના વિકાસ માટે કાર્ય કરીશું કે જેથી ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટના આયોજન માટે આપણે મજબૂત આધાર બનાવી શકીએ.
આઈઓએના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલે કહ્યું કે જે પ્રકારે ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પ્રેઝન્ટેશન રજી કર્યું એ પ્રસંશનીય હતું. આ પ્રેઝન્ટેશન નિહાળનારાઓએ તેને બિરદાવ્યું હતું. એજ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ કોમનવેલ્થની યજમાની ને લઈને રમતના વિકાસ સંદર્ભે જે પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું તે પણ ખુબજ સારું હતું અને રમત સાથે સંકળયેલા તમામને સાથે લઈને એ દીશામાં કામ કરવામાં આવશે.