Ahmedabad, Gujarat, Apr 03, ગુજરાતના વિવિધ નગરો-મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી-માણી શકે તે માટે માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકરો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ આજે ખુલ્લો મુક્યો હતો.
શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધીને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરાવી છે. એમણે આ સંદર્ભમાં કહ્યું કે, સૌરાષ્ટ્રનો પ્રખ્યાત માધવપુર મેળાનું પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ સાથેનું તાદાત્મ્ય એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માધવપુરનો મેળો આપણા સૌ માટે એક એવો અવસર છે કે, સોરઠ, ઘેડ સહિત હાલાર પંથક કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. ‘વસુધૈવ કુટુંબકમ’નો ભાવ વધુ ઉજાગર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દરવર્ષે પોરબંદર નજીકના માધવપુરમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
રાજ્યના વિવિધ નગરો-મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી-માણી શકે તે માટે માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકરો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લો મુક્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં પારંપારિક ઉત્સવો, મેળાઓનું આગવું મહત્વ છે. સાથે સાથે આવા ઉત્સવો દરેક પ્રદેશની આગવી વિશેષતા પણ છે.
સદીઓ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અરૂણાચલના રૂકમણીજી સાથે ગુજરાતના માધવપુરમાં વિવાહ કર્યા અને પૂર્વોત્તર રાજ્યો સાથે ગુજરાતનો વિશેષ સંબંધ જોડાયો. શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથેના વિવાહનો આ ઉત્સવ પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતો પ્રસંગ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ભાષા, રીત-રિવાજ અને ખાન પાનમાં વૈવિધ્ય હોવું સ્વાભાવીક છે પરતું સંસ્કૃતિ સમાન છે. આપણને અન્ય રાજ્યોની ભાષા ન સમજાય તો પણ વિવિધ રાજ્યના લોકનૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓનો આનંદ તો અનુભવી જ શકીએ છીએ.
‘જ્યાં ઉત્સવ જ જીવન છે’ તેવા આપણા ગુજરાતમાં માધવપુર મેળાના ભાગરૂપે પૂર્વોત્તર રાજ્યોના 800થી વધુ કલાકારો દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ ઉપરાંત દ્વારકા અને સોમનાથ એમ જુદા જુદા શહેરોમાં પરંપરાગત નૃત્યોના કાર્યક્રમો દ્વારા ‘ટ્રેડિશન મીટ્સ ટેલેન્ટ એન્ડ કલ્ચર’ની કલ્પનાને સાકાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
સુરત અને વડોદરામાં સફળ કાર્યક્રમોના આયોજનો પછી આજે અમદાવાદમાં સંસ્કૃતિના સંગમના યોજાયેલા આ ઉત્સવનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યોના કલ્ચરલ એક્સચેન્જથી અનેકતામાં એકતાનો મત્ર તો સાકાર થાય જ છે પરંતુ રામનવમીના પાવન અવસરે યોજાતો માધવપુર ઘેડનો મેળો આપણા સાંસ્કૃતિક વારસાનું ઉપરાંત રામ અને કૃષ્ણની ભક્તિ અને પરંપરાના સંગમનું પણ પ્રતીક પણ છે.
પૂર્વોત્તર રાજ્યોના હસ્તકલા કારિગરોના ઉત્પાદનો, ત્યાંની વાનગીઓના સ્ટોલ્સ પણ વોકલ ફોર લોકલની નેમને પાર પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માધવપુરનો મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ સાથે સંકળાયેલો છે, જેના શુભ ઉત્સવ પ્રસંગે ભારતના ઉત્તર પૂર્વના અને ગુજરાતના ૮૦૦થી વધુ કલાકારોએ આજે અમદાવાદ કાંકરીયામાં નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું જેનો ખૂબ જ આનંદ છે.
શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં આ ઉત્સવને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ આ કાર્યકમ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પ’ પણ સાકાર થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈને સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની સંસ્કૃતિ અને કલાને વિશ્વ સ્તરે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે અનેરું બહુમાન અપાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહના આ પ્રસંગના ભવ્ય અને દિવ્ય ઇતિહાસને માધવપુર ઘેડ મેળો આજની યુવા પેઢીને રૂબરૂ કરાવવા સાથે દેશની કલા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાને વિશ્વભરમાં ઉજાગર કરે છે.
ભારત દેશની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિના સુભગ સમન્વય સમાન આ ઉત્સવમાં આશરે ૧૬૦૦ જેટલા કલાકારો દ્વારા થનાર પ્રસ્તુતિ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુમ્બકમની લાગણીને ફળીભૂત કરવામાં મહત્વનો ભાગ ભજવશે.
અમદાવાદના કાંકરિયા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, શહેરના ધારાસભ્યઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલબેન ડાગા, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ એમ. થેન્નારસન, પર્યટન સચિવ ડો. રાજેન્દ્ર કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદના કલેકટર સુજીત કુમાર, ઉદિત શેઠ – એમ.ડી ટ્રાન્સ્ટેડિયા, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના હોદ્દેદાર, કાઉન્સિલરો અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ: કાંકરિયાના ટ્રાન્સ્ટેડિયામાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં આસામનું બિહુ નાચ, હમજાર અને દાસોઅરી દેલાઈ , અરૂણાચલનું રીખમપદા, ટેંગ કો ન્યોન, તાપુ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, સરલામકાઈ , મેઘાલયનું કોચ, વાંગલા, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિક્કિમનું સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, ચુટકે, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, ત્રિપુરાનું મમીતા,હોજાગીરી અને સંગ્રેઈન નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના કલાકારોએ મિશ્ર રાસ, મંજીરા રાસ, કૃષ્ણ રાસ, ગોફ રાસ, ટિપ્પણી, ડાંગી નૃત્ય, રાઠવા નૃત્ય, મેવાસી નૃત્ય, લેઝીમ નૃત્ય, આદિવાસી તલવાર નૃત્ય, હોળી નૃત્ય, ઢોલ શરણાઈ, ગરબા, હુડો રાસ સહિતના નૃત્યો પ્રસ્તુત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
