Spread the love

Ahmedabad, Oct 06, “થેલેસેમિયા મુક્ત ગુજરાત” બનાવવા અને સિકલ સેલના નિવારણ માટે ગુજરાત રેડ ક્રોસ સંસ્થાના ઉપયુક્ત પ્રયાસો અવેરનેસ અને પ્રિવેન્શનના સ્તરે મહત્ત્વના રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ગુજરાતની રેડ ક્રોસ સંસ્થાનો થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ વ્યાપની દૃષ્ટિએ માત્ર ભારત નહીં સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ છે. ગુજરાતમાં લોહીની આ ગંભીર બિમારી- થેલેસેમિયા અને સિકલ સેલ સામે રેડ ક્રોસ સંસ્થા જંગે ચડી છે અને રાજ્ય સરકારના સહયોગથી ઠોસ કામગીરી કરી રહી છે.
ભારત દુનિયાનો સૌથી મોટો થેલેસેમિયા મેજરથી અસરગ્રસ્ત લોકો ધરાવતો દેશ કહેવાય છે. લગભગ ૧ થી ૧.૫ લાખ બાળકો થેલેસેમિયા મેજર અને લગભગ સવા ચાર કરોડ લોકો થેલેસેમિયા માઇનોરના લક્ષણ ધરાવે છે. ભારતમાં દર વર્ષે આશરે ૧૦ થી ૧૫ હજાર જેટલા થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે.
ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જિનનું કેરિયર પ્રમાણ ૧% થી ૩૫% સુધી હોય છે, તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે.
થેલેસેમિયા અને સીકલ સેલ રોગ હેમોગ્લોબિનોપથીઝ તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. થેલેસેમિયા અને સીકલ સેલ રોગ એક પ્રકારે જીનેટીક ડિસઓર્ડર છે જે લોહીમાં રહેલા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચર અને પ્રોડક્શનને નકારાત્મક અસર કરે છે.
ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે ૨૦૦૪માં “થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ” શરૂ કર્યો હતો.
આ પ્રોગ્રામ દેશની અન્ય આરોગ્ય સુરક્ષા સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે. ગુજરાતની રેડ ક્રોસની આ કામગીરીએ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના બહુમાન પ્રાપ્ત કર્યા છે.
“થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ”ની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવે છે: પ્રિમેરિટલ સ્ક્રિનિંગ (Pre-marital Screening Programme), હાઇ રિસ્ક સમુદાય સ્ક્રિનિંગ (High Risk Community Screening) અને અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (Antenatal Screening and Prenatal Diagnosis Project).
પ્રિમેરિટલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ: ગુજરાત રેડ ક્રોસ વિવિધ કોલેજો અને શાળાઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કરે છે, જેમાં વિદ્યાર્થીઓનું સસ્તા દરે સ્ક્રિનિંગ કરવામાં આવે છે.
૨૦૦૪થી ૨૦૨૪ સુધી, ગુજરાતની ૧૨ યુનિવર્સિટીઓ આ કાર્યક્રમમાં જોડાઇ છે. કુલ ૩૯,૧૨,૫૮૧ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થયું છે.
થેલેસેમિયા માઇનર વિદ્યાર્થિઓની સંખ્યા ૧,૬૧,૫૬૯ (૪.૧૩%); સિકલ સેલ ટ્રેટ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૬૭,૮૧૯ (૪.૩%) અને નોર્મલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫,૮૩,૧૯૩ છે.
હાઇ રિસ્ક ધરાવતા સમાજના લોકોનું સ્ક્રિનિંગ: થેલેસેમિયા અને સિકલ સેલ રોગોવાળા હાઇ રિસ્ક સમુદાયો માટે રેડ ક્રોસ ખાસ સ્ક્રિનિંગ કાર્યક્રમ ચલાવે છે. ‘સેફ મેરેજ’ની પ્રેક્ટિસને પ્રોત્સાહિત કરવાનો આ પ્રોગ્રામનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આનો અર્થ એ છે કે લગ્ન પહેલાં, ઓછામાં ઓછો એક પક્ષ કેરિયર ન હોય તેની ખાતરી કરવામાં આવે છે.
ગુજરાતના કેટલાક સમુદાયોની સંસ્થાઓ જેમ કે ખારવા સમાજ (પોરબંદર), લોહાણા મહાજન પરિષદ (સમગ્ર ગુજરાત), કચ્છી ભાનુશાળી સેવા સમાજ, સિંધિ સમાજ (અમદાવાદ), લેઉવા પાટીદાર સમાજ (સુરત) આ પ્રોગ્રામની સહયોગી છે.
અત્યાર સુધીમાં ૧,૧૯,૩૪૫ યુવાનોનું સ્ક્રિનિંગ થયું છે તેમાં ૧૪% થી ૧૭% યુવાનો થેલેસેમિયા અથવા સિકલ સેલ પોઝિટિવ જોવા મળ્યા છે.
અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ: ૨૦૧૦ માં ગુજરાત રેડ ક્રોસે અંતરગર્ભીય અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં ગર્ભવતી મહિલાઓનું થેલેસેમિયા અને સિકલ સેલ માટે સ્ક્રિનિંગ થાય છે.
જ્યારે ગર્ભવતી મહિલાઓ OPDમાં પ્રથમ વખત આવે છે, ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જો તેઓ કેરિયર હોય, તો તેમના પતિનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જો બંને પતિ-પત્ની કેરિયર હોય, તો તેમને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (PND) માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી શિશુમાં થેલેસેમિયા મેજર કે સિકલ સેલ રોગ હોવાની શક્યતા જાણી શકાય છે.
આ પ્રોગ્રામ દ્વારા દર્દીઓ અને દંપત્તિઓને જિનેટિક રોગો અંગે કાઉન્સેલિંગ આપવામાં આવે છે, જેથી તેઓને રોગની સ્થિતિ વિશે સમજ અને માર્ગદર્શન મળે.
૨૦૧૦- ૨૦૨૩ સુધીમાં ૯,૩૯,૧૫૮ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી પોઝિટિવ ગર્ભવતી મહિલાઓનીં સંખ્યા ૫૧,૦૬૧ છે અને ૪૦,૭૧૫ પતિઓનું સ્ક્રિનિંગ થયું છે.
૨,૬૦૫ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસ કરાતાં ૬૦૨ જેટલા થેલેસેમિક બાળકોના જન્મને રોકવામાં આવ્યા છે, જે આ પ્રોજેક્ટની નોંધપાત્ર સિદ્ધિ છે.
‘રેડક્રોસ’ ગુજરાતના ચેરમેન શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગો અંગે અવરનેસ વધારવામાં પણ રેડ ક્રોસનું મોટું યોગદાન છે.
ગુજરાત રેડ ક્રોસ આ પ્રોગ્રામને વધુ આગળ વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે. હાઇ રિસ્ક સમુદાયોને જોડીને, નવા વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરવાં અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ સક્ષમ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ સુવિધાઓ વિકસાવવાની નેમ સંસ્થાએ રાખી છે.”
“થેલેસેમિયા મુક્ત ગુજરાત” બનાવવા અને સિકલ સેલના નિવારણ માટે ગુજરાત રેડ ક્રોસના ઉપયુક્ત પ્રયાસો અવેરનેસ અને પ્રિવેન્શનના સ્તરે મહત્ત્વના રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *