Ahmedabad, Gujarat, Jan 03, તામીલનાડુના ચેન્નાઈ સ્થિત એસ.આર.એમ. યુનિવર્સિટી ખાતે ગત માસના અંતમાં યોજાયેલ સાઉથ-વેસ્ટ ઝોન સ્વીમીંગ-ડાઈવિંગ સ્પર્ધામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના તરવૈયાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઉજળો દેખાવ કર્યો છે.
આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે આ સ્પર્ધામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા જી.ઈ.સી., સુરતની વિધાર્થિની કુ.આસ્ના ચેવલીએ ડાઈવિંગ ઇવેન્ટની 10 મીટર હાઈ બોર્ડમાં સુવર્ણ ચંદ્રક તથા 3 અને 1 મીટર સ્પ્રિંગ બોર્ડમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.આ ઉપરાંત 50 મીટર ફ્રી સ્ટાઇલમાં યુનિવર્સિટી સંલગ્ન વી.વી.પી.કોલેજ, રાજકોટની વિદ્યાર્થિની રીપશા જાનીએ ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાયિંગ કર્યું હતું.
આ સ્પર્ધા પછી એક દિવસ બાદ આ જ રમતની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં આસ્ના ચેવલીએ પોતાની ઇવેન્ટમાં 2 સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ડંકો વગાડ્યો હતો.
આ બન્ને વિદ્યાર્થિનીઓના ગૌરવ યુક્ત દેખાવ અને ઝળહળતાં વિજય પરત્વે યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેરે હર્ષની લાગણી વ્યક્ત કરીને બન્ને વિદ્યાર્થિઓને અને સ્પોર્ટ્સ ઓફિસર ડો.આકાશ ગોહિલ ને અભિનંદન પાઠવ્યા હતા.