અમદાવાદ, 04 જુલાઈ, UPSC દ્વારા યોજાનાર રિક્રુટમેન્ટ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનારા પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અનુરોધ કરવામાં આવ્યું છે.
નિવાસી અધિક કલેકટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 7મી જુલાઈ(રવિવાર)ના રોજ UPSC(યુપીએસસી), નવી દિલ્હી દ્વારા અમદાવાદના જુદા જુદા 43 સેન્ટર ખાતે EPFOમાં પર્સનલ આસિસ્ટન્ટ અને ESICમાં નર્સિંગ ઓફિસર માટે રિક્રુટમેન્ટ ટેસ્ટ યોજાનાર છે. 7મી જુલાઈ(રવિવાર)ના દિવસે અમદાવાદ શહેરમાં રથયાત્રા પણ યોજાનાર છે.
નિવાસી અધિક કલેકટર અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યું છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થનાર હોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉદભવનાર ટ્રાફિકની પરિસ્થિતિને જોતા પરીક્ષાર્થી ઉમેદવારોને સ્વમેળે પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અનુરોધ કરવામાં આવે છે.
યુ.પી.એસ.સી.ની માર્ગદર્શિકા મુજબ બંને પરીક્ષા માટે પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા પરીક્ષા કેન્દ્રનો ગેટ બંધ કરી દેવામાં આવશે, જેની તમામ પરીક્ષાર્થીઓએ ગંભીર નોંધ લેવા અનુરોધ છે.
