Bhavnagar, Gujarat, Jan 04, ૧૮૦૯ માં જન્મેલા બ્રેઇલલીપીના શોધક મહાત્મા લુઈ બ્રેઇલની ૨૧૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં બ્રેઇલ લેખન – વાંચન, સંગીત, કાવ્ય પઠન, ક્વીઝ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી અખબારી યાદીમાં આજે જણાવવામાં આવ્યું કે જુદાજુદા ૭ વિભાગમાં યોજાયેલ આ સ્પર્ધાના એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રૂ.૫૦૦/-, રૂ.૩૦૦/- અને રૂ.૨૦૦/- નો અનુક્રમે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનો આરંભ લુઈ બ્રેઇલ વંદનાથી કરવામાં આવ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાનાં માનદમંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. ત્યારબાદ લુઈ બ્રેઇલની ઋણ સ્વીકૃતિ માટે લખાયેલ ગીત ‘માન મારું હરખે ને ઉર મારું છલકે’ બાંભણિયા મેહુલે રજુ કર્યું હતું. જ્યારે લુઈ બ્રેઇલના જીવન કવન પરનું વક્તવ્ય રુદ્ર માધવાચાર્યએ રજુ કર્યું હતું. જ્યારે વિવિધ એવોર્ડો વિષે હસમુખભાઈ ધોરડાએ વિસ્તૃત માહિતી આપી હતી. સ્પર્ધાનો સંક્ષિપ્ત અહેવાલ સંસ્થાના આચાર્ય આઈ.જી.ગોહિલ સાહેબે આપ્યો હતો. જ્યારે સ્પર્ધાઓનું પરિણામ ઉમદા શૈલીમાં એલ.એન.વાઘેલાએ રજુ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ સાહેબે લુઈ બ્રેઇલના સંઘર્ષોને ટાંકી જીવનમુલ્યના નિર્માણ તરફ અંગુલી નિર્દેશ કરતા કહ્યું હતું કે પોતાનો વિકાસ દરેક વ્યક્તિએ જાતે જ કરવો પડે છે. માતાપિતા કે શિક્ષકનું એમાં યોગદાન હોય શકે પરંતુ જાત મહેનત વિના પરિણામ મળતું નથી. જેવી રીતે ધૂપસળી પોતે સળગીને અન્યને સુગંધ આપે છે તેમ કમરકસી કાર્ય કરવાથી સફળતા મળે છે. અતિથિવિશેષ મલયભાઈ જાની (પૂર્વ આચાર્ય) અને બળવંતભાઈ તેજાણી (સી.આર.સી)એ પ્રેરક વાતો કરી હતી.
ધનગૌરી બ્રેઇલ એવોર્ડ – મયુર આર. જીડીયાને, વાસંતીબેન ભાસ્કરભાઈ ભટ્ટ બ્રેઇલ વાંચન એવોર્ડ – ભલાભાઈ રાજેશભાઈ ડાભીને તેમજ હિમંતભાઈ કાનજીભાઈ રાઠોડ બ્રેઇલ લેખન એવોર્ડ – સરફરાજ સિકંદરભાઈ શેખ તેમજ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરનાર પાર્થ જયેશભાઈ ડોડીયાને ધનેશ મહેતા ટ્રોફી મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધો.૧ થી ૧૨ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શાળાના શિક્ષક પુનાભાઈ કે. દેવધા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે શાળા તરફથી ધો.૧ થી ૯ માં પ્રથમ ક્રમાંક મેળવતા વિદ્યાર્થીઓને જશવંતરાય મહેતા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ધો.૧૦માં ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને હસમુખભાઈ ધોરડા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એવી જ રીતે સંસ્કૃત વિષયમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને કાયમી યોજના અંતર્ગત પદ્માબેન ભટ્ટ તરફથી પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ લુઈ બ્રેઇલની સ્મૃતિઓને વાગોળતા કહ્યું હતું કે તેમનું વ્યક્તિત્વ આજે પણ સૂર્યની જેમ ઉજાસ આપીને આપણા સૌના જીવનમાં અજવાળા પાથરી રહ્યું છે. તેમની યાદમાં વર્ષ ૨૦૧૯ થી યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવામાં આવે છે તે તેમના સંઘર્ષની પ્રતીતિ કરાવે છે. લુઈ બ્રેઇલનો સીધો સંબંધ આપણી સંસ્થા સાથે જોડાયેલ છે કારણ કે તેમનો નિર્વાણ દિવસ અને સંસ્થાનો સ્થાપના દિવસ ૬ જાન્યુઆરી છે. ૬ જાન્યુઆરી ૧૮૫૨ ના રોજ મહાત્મા લુઈ બ્રેઇલનું અવસાન થયું હતું. ૬ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ આપણી સંસ્થાનો ઉદય થયો. આમ જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય એટલે આપણી સંસ્થાનું કાર્ય અને કર્મનિષ્ઠા રહેશે. આભારદર્શન ઋષિકેશભાઇ પંડ્યાએ કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ મહેતાએ કર્યું હતું.