Spread the love

Ahmedabad, Nov 10, Gujarat ના અમદાવાદમાં વાર્તાકાર વિજય સોનીએ કર્યું ‘રુસ્તમે ઇસનપુર’નું પઠન કરવામાં આવ્યું.
કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે શનિવારે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર વિજય સોની દ્વારા  એમની વાર્તા  ‘રુસ્તમે ઇસનપુર’નું પઠન કરવામાં આવ્યું હતું.
ચાર મિત્રો વર્ષમાં એકવાર સેલવાસ જઈ પાર્ટી કરે છે. એ પાર્ટી માટે જવાની ગોઠવણ કરવા નાયકના બે મિત્રો જગો અને લાલો દુકાને આવે છે. એ સમયે નાયકના પિતાજી દુકાન પર ન હતા. બંને મિત્રો પિતાજીને પોલીસ કહી મજાક કરતા હોય છે ત્યાં એ આવી જાય છે. લાલો અને જગો એમની સાથે પણ વાતે ચડે છે. પછી સેલવાસ જવાની વાત કાઢે છે. પિતા ધંધાની વાત કાઢી થોડી તિર્યક વાત કરે છે. ચોથા મિત્રની પણ વાત નીકળે છે. નવ હજારમાં નોકરી કરતા શહેનશાહને ફોન કરી આવવા માટે કહે છે. છેવટે સેલવાસ જવાનું ગોઠવાઈ જાય છે.
નાયક પત્ની મોનાને વાત કરે છે. એ છે રૂપાળી પણ આંટા થોડા ઢીલા છે. એ નાયકને નાઈટીભેર જ ઇનોવામાં સામાન મૂકવા આવે છે. શહેનશાહ એને પણ આગ્રહ કરે છે. એ પણ સાથે આવવા તૈયાર થઈ જાય છે, પણ માંડ એમને સમજાવી ગાડીમાંથી પરત મોકલે છે.
આખી રાતની મુસાફરી. સવારે સેલવાસ પહોંચે છે. એક હોટલમાં ત્રણ દિવસ માટે પાર્ટી ચાલતી રહે છે. નાયકનું મન એ ત્રણે દિવસ પત્ની અને શહેનશાહની છેલ્લી ઘડીની ચેષ્ટાઓમાં અટવાતું રહી છે. એમાં પણ બારમાંથી શહેનશાહે ચોરેલી શિવાઝ રિગલની બોટલને લઈને નાયક મનમાં કાલ્પનિક સંધર્ષ ચાલતો રહે છે. અને એ રીતે સેલવાસની પાર્ટી જામી જાય છે.
વાર્તામાં ભાષાની મોકળાશ સાથે મિત્રતાની મોકળાશ પણ ચિત્રિત થઈ છે. આ કાર્યશાળામાં વાર્તાકાર કિરીટ દૂધાતની વિશેષ ઉપસ્થિતમાં જયંત ડાંગોદરા, દીનાબેન પંડ્યા, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, લાલુભા ચૌહાણ, હીરલ વ્યાસ, સ્વાતિ શાહ, અર્ચિતા દીપક પંડ્યા, રેના સુથાર, પ્રિયંકા જોષી, રત્નાકર મહેતા, હિમાંશુ પટેલ, અંજના પટેલ, ખ્યાતિ આચાર્ય, પ્રદીપ વ્યાસ, હર્ષ ધારૈયા, મેઘના કામદાર, રસિક વાણી, રાધિકા પટેલ, અક્ષર જાની તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન ચેતન શુક્લએ કર્યું હતું.