Spread the love

Ahmedabad, Gujarat, Jan 01, ગુજરાતના અમદાવાદમાં  સંત ‘બ્રહ્માનંદ’ વિશે સાહિત્યકાર નરેશ વેદએ અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે પ્રો.રમજાન હસણિયાએ બુધવારના રોજ મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
નરેશ વેદ : 12મી સદીમાં થઈ ગયેલા આ કવિની વ્યક્તિત્વની સંપત્તિ સાથે બૌદ્ધિક સંપત્તિ પણ ઉત્તમ હતી. તેઓમાં નાનપણથી જ આ કવિત્વના સંકેતો મળતા હતા. આબુ પાસેના એક ગામના આ કવિનું નાનપણનું નામ લાડુ હતું. તેમની પ્રતિભા જોઈ રાજાએ અભ્યાસ માટે બીજે મોકલવાની તત્પરતા બતાવી પણ માબાપે છેક સત્તર વર્ષે એ મંજૂરી આપી. કચ્છમાં લખપતરાય નામની પાઠશાળામાં તેઓ દસ વર્ષ રહ્યા અને અભયદાનજી નામના શિક્ષકના માનીતા પણ રહ્યા. એ પછી સૌરાષ્ટ્રના પ્રવાસે લોકશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ નીકળ્યા. જ્યાં અનેક વિદ્યાઓ શીખ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જાણી ચકાસવા માટે ગયા અને ઘનશ્યામજીની પહેલી મુલાકાતમાં જ સમાધિસ્થ થયા. વિશ્વાસ જાગ્યો એ બાદ જૂનાગઢના રાજા તેમના શિષ્ય હોવાથી ચતુરાઈ વડે ત્યાં ભવ્ય મંદિર બનાવવા માટે રાજાને મનાવ્યા.અમદાવાદ, ગઢડા, વડતાલના મંદિરો પણ તેમની દેખરેખ હેઠળ બન્યા. શ્રીજી મહારાજે તો તેમનું માતૃત્વ સ્વીકારીને તેમને પોષ્યા. તેમના 10 વર્ષના સર્જનકાળમાં ઇયત્તા અને ગુણવત્તા બને જણાઈ આવે છે. હિન્દી, ગુજરાતી, ચારણી, કચ્છી, વ્રજ અને સંસ્કૃત ભાષામાં તેમણે અસંખ્ય રચનાઓ કરી.
શિક્ષાપત્રીના તેઓ રચયિતા છે જે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રચી. તેમના કેટલાય ગ્રંથો હજુ અપ્રકાશિત છે.પૂર્ણ પુરષોત્તમ એટલે શ્રીકૃષ્ણ અને પુરષોત્તમ એટલે ઘનશ્યામ સ્વામી. આ બંને વિશે તેમણે અસંખ્ય પદો રચ્યા. તેમની રચનાઓમાં છંદના દરેક કુળનો પરિચય સાથે રાગ – રાગિણીઓનો પણ પરિચય મળે છે.સંન્યાસ લેવા માટે તૈયાર થયા ત્યારે જેની સાથે સગપણ થયું હતું તે જ્યારે કાકલૂદી કરે છે ત્યારે બ્રહ્માનંદ કહે છે.રે સગપણ હરિવર સાથે સાચું…અને તેઓ તેમ પણ કહે છે કે વિઠ્ઠલને વરવું છે નહિતર મરવું છે…તેમણે શ્રીકૃષ્ણ ની દરેક લીલાના પદો રચ્યા, ડાકોરના રણછોડરાય ઉપર પણ અનેક રચનાઓ કરી. તે ઉપરાંત ધર્મની ઘેલછા અને આડંબર પર એક દીર્ઘ રચના કરી જેનું નામ છે, ધર્મભક્તિ શ્રાપ કથન.
રમજાન હસણિયાએ એમના વક્તવ્યમાં કહ્યું મધ્યકાલીન પ્રેમલક્ષણાભક્તિનું ગાન કરનાર પ્રથમ હરોળના કવિ છે. ઈયતા અને ગુણવત્તા એમ ઉભય દૃષ્ટિએ તેમના કવનની સરાહના કરી તેમના વિભિન્ન વિષયો પરના કાવ્યોની સદૃષ્ટાંત વાત કરી હતી. પ્રેમસખીનું બિરુદ પામેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ પ્રેમાનંદના જીવનની વિગતો આપી એમના બાળલીલા, દાણલીલા, કૃષ્ણ મિલન -વિરહ આદિના કાવ્યોનું વિશેષપણું દર્શાવી આપ્યું હતું. સ્ત્રીસહજ મનોભાવોને પુરુષ કવિ દ્વારા આટલી ઉત્તમતાપૂર્વક પ્રગટ કરવામાં આવે અને સમાજ દ્વારા એનો સ્વીકાર થાય એમાં સહજાનંદસ્વામીની આધુનિક વિચારશરણીની એમણે સરાહના કરી હતી. આવા કવિઓના ઉત્તમ સંપાદકોએ કરેલ સંશોધનાત્મક સંપાદનો ફરી પ્રકાશિત કરવા હાકલ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું‌ હતું.
તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે.’સંત સાહિત્યપર્વ’ના પ્રથમ દિવસે બ્રહ્માનંદ’ વિશે વેદએ અને ‘પ્રેમસખી પ્રેમાનંદ’ વિશે હસણિયાએ વક્તવ્ય આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *