Ahmedabad, Gujarat, Feb 09, ગુજરાત ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિપુલ વ્યાસએ એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કર્યું.
કવિ જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૨/૨૦૨૫ના રોજ ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર વિપુલ વ્યાસ દ્વારા એમની વાર્તા ‘ધ ટ્રેપ’નું પઠન કરવામાં આવ્યું હતું.
એક યુવતી, તેનો કઝીન અને એક કોમન મિત્ર એમ ત્રણ સમવયસ્કોના સંબંધોમાં રહેલી જટિલતાની વાત આ વાર્તાનો વિષય બની છે. બહેન સાથે એ મિત્રનું લગ્ન અને પછી ભાઈ અને એક મિત્ર તરીકેની એ સંબંધો પ્રત્યેની મથામણની વાત એકબીજા સાથેની વાતચીતના રૂપે ખૂબજ સહજતાથી આ વાર્તામાં લેખકે વર્ણવી છે. વાર્તાની કથનશૈલી ભાવકને સતત જોડી રાખવામાં સફળ થાય છે.
આ કાર્યશાળામાં જાણીતા સાહિત્યકાર પ્રફુલ્લ રાવલે વાર્તા વિશે પોતાનાં મૂલ્યવાન અભિપ્રાયો આપવા સાથે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત ચિરાગ ઠક્કર, સાગર શાહ, રાધિકા પટેલ, ડો. હર્ષદ લશ્કરી, મુકુલ દવે, ઉર્વશી શાહ,ભારતી સોની, તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન ચેતન શુક્લએ કર્યું હતું.
