Ahmedabad, Gujarat, Jan 02, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમની સાથે સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશની યોજાયેલી મુલાકાત માં કહ્યું જ્યારે પણ હું યુવાઓને મળું છું ત્યારે તેમને પડકારો સામે ન ડરવા સુચન કરું છું. દરેક પડકારમાં, દરેક અવરોધમાં, એક તક હોય છે.
અદાણી ગ્રુપ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી અદાણીએ હાલમાં જ અમદાવાદ ખાતે યોજાએલી આ મુલાકાતમાં તેમણે નાની ઉંમરમાં ગુકેશે મેળવેલી ઐતિહાસિક સફળતાની પ્રશંસા કરી હતી. ગયા મહિને સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ – 2024ની ફાઇનલમાં ચીનના ખેલાડી ડીંગ લિરેનને હરાવનાર 18 વર્ષીય ગુકેશને ગૌતમભાઈએ કહ્યું કે “તમારા જેવા યુવાનોને જોઈને હું ખૂબ ખુશ થાઉં છું, આ યુવાભારતની શક્તિ છે.
ગૌતમભાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, ” વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશની વિજય ગાથાને સાંભળવી એ એક લહાવો હતો.” પોર્ટથી લઈને પાવર સુધી વિસ્તરેલા અદાણી સમૂહના વડાએ એમ પણ લખ્યું હતું કે ગુકેશના માતા-પિતા ડૉ. રજનીકાંત અને ડૉ. પદ્માવતીને મળવું એ પણ એટલુ જ પ્રેરણાદાયક હતું. “તેમના અથાગ પ્રયત્નોના કારણે ગુકેશની સફળતાનો પાયો નંખાયો”.
અદાણીએ ઉમેર્યું હતું કે “જ્યારે પણ હું યુવાઓને મળું છું ત્યારે તેમને પડકારો સામે ન ડરવા સુચન કરું છું. દરેક પડકારમાં, દરેક અવરોધમાં, એક તક હોય છે. તમારે માત્ર તે તકને ઓળખવાની હોય છે. જ્યારે તમારામાં જુસ્સો હોય ત્યારે તેના પર સખત કામ કરો. ”
જ્યારે કોઈ વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચવા તત્પર હોય છે, ત્યારે તે આત્મવિશ્વાસ તને આંતરિક શક્તિ આપે છે” તેમણે ઉમેર્યું હતું કે “જે લોકો પાસે ટકી રહેવાની અથવા કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેઓ હંમેશા સફળ થાય છે, કારણ કે તેઓ સખત મહેનત કરે છે”.
પોતાની જીવન યાત્રા વિશે જણાવતા ગૌતમ અદાણી જણાવ્યું હતું કે ” જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને લાગે છે કે, આજે અમે જે છીએ તે પ્રાપ્ત કરવામાં ઘણા લોકોએ મને મદદ કરી છે, તે ભગવાનની કૃપા હતી.” તેમણે ઉમેર્યુ હતુ કે “અમે ખૂબ જ સામાન્ય પારિવારિક પૃષ્ઠભૂમિ”માંથી આવ્યા છીએ, જેમાં કોઈને અનુભવ કે કોઈ સંપર્ક ન હતો. તેમ છતાં 40 વર્ષની સફરમાં, હું આ સ્થાન પર કેવી રીતે પહોંચી શકું?”
“મને એક કારણ એ પણ લાગે છે કે, અલબત્ત હવે ભારતનો યુગ છે. ભારતે તેની અર્થવ્યવસ્થા ખોલી છે અને સતત વધુને વધુ પડકારો અને તકો ઉભી કરી છે.” “વ્યક્તિગત રીતે મને પણ અનેક પડકારો મળ્યા છે પરંતુ જ્યારે તમે ખૂબ જ ઉત્સાહી હોવ, ત્યારે પડકારો અવરોધો લાગતા નથી. તમે હંમેશા પડકારોમાં ખીલવા માટે, કંઈક હાંસલ કરવા માટે તક શોધો છો. તેથી જ કદાચ હું બચપનથી જ પડકારોથી ક્યારેય ડરતો ન હતો.
2006માં તમિલનાડુમાં જન્મેલા ગુકેશે માત્ર સાત વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેના પિતા ડોક્ટર અને માતા માઇક્રોબાયોલોજીસ્ટ છે.