~Gujarat will observe World Breastfeeding Week 2026 from August 1 to 7 with statewide awareness programmes promoting breastfeeding, child nutrition, and maternal health.
Gandhinagar, Gujarat, Aug 01 (VNI): ગુજરાતમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1થી 7 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-2026’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની થીમ “જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન: અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ” રાખવામાં આવી છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે પરિવારો અને સમાજને સ્તનપાન અંગે જાગૃત બની અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.
મંત્રીએ જણાવ્યું કે અભિયાનનો મુખ્ય હેતુ શિશુ અને નાના બાળકોના યોગ્ય પોષણ માટે જાગૃતિ વધારવાનો, સ્તનપાનને પ્રોત્સાહન અને સુરક્ષા આપતી નીતિઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનો તેમજ સરકાર, સંસ્થાઓ અને સમાજ વચ્ચે સહયોગ વધારવાનો છે. તેમણે જણાવ્યું કે કોલોસ્ટ્રમ અંગેની ગેરમાન્યતાઓ, પ્રી-લેક્ટિયલ ખોરાક જેવી જૂની પરંપરાઓ દૂર કરવા અને IMS અધિનિયમના કડક અમલીકરણ દ્વારા માતા-પિતાને સાચી માહિતી પહોંચાડવી જરૂરી છે.
આ સપ્તાહ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે ‘સુપોષણ સંવાદ’ જેવા કાર્યક્રમો યોજાશે. નવજાત બાળકને જન્મના પ્રથમ એક કલાકના ‘ગોલ્ડન અવર’માં માતાનું દૂધ આપવું અને પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવવાનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં આવશે.
મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું કે માતાનું દૂધ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે તેને ચેપ સામે રક્ષણ આપે છે, મૃત્યુદર ઘટાડે છે અને સ્વસ્થ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રસૂતિ બાદ ‘બ્રેસ્ટ ક્રૉલ’ જેવી કુદરતી પ્રક્રિયા માતા અને બાળક વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવે છે. તેમણે સૌને આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડી ‘સુપોષિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. VNI NEWS, World Breastfeeding Week 2026, Gujarat, Breastfeeding, Anganwadi, Women and Child Development, World Breastfeeding Week, Gujarat Government, Breastfeeding Awareness, Child Nutrition, VNINews, VNINews.com
