Spread the love

Ahmedabad, Oct 18, Gujarat ના અમદાવાદમાં ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે અને ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ આજે વક્તવ્ય આપ્યું.
Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના બીજા દિવસે ગુરુવારે સંસ્કૃતસર્જક ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસે અને સંસ્કૃતગ્રંથ ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારાએ વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
યોગિની વ્યાસ : વાગીશ્વરીના વરદપુત્ર, ભારતદેશની સાંસ્કૃતિક તથા સાહિત્યિક ભૂમિ મિથિલાનગરીના આરૂઢ વિદ્વાન, ‘મૈથિલ-કોકિલ’ની ઉપાધિથી વિભૂષિત શ્રી વિદ્યાપતિ બહુમુખી પ્રતીભાસંપન્ન સારસ્વત હતાં. બિહારમાં આવેલ મિથિલામાં વિદ્યાપતિ-યુગને સુવર્ણયુગ કહેવામાં આવ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત,અપભ્રંશ, મૈથિલી, વ્રજબોલી, તથા હિન્દી વગેરે ભાષાઓમાં અસંખ્ય કૃતિઓનું પ્રદાન નોંધપાત્ર છે. ભારતદેશના નવીન જન-જાગરણમાં કબીર, તુલસીદાસ, મીરા, નરસિંહ મહેતા વગેરે ભક્ત કવિઓની જેમ વિદ્યાપતિએ ભારતવાસીઓને આધ્યાત્મિક ભાથું પીરસ્યું.
પ્રીતિ પુજારા : મૈથિલી સાહિત્યમાં મધ્યકાળનાં તોરણ દ્વાર પર જેનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે એવા ‘मैथिल कोकिल’ તરીકે પ્રખ્યાત વિદ્યાપતિ ચૌદમી સદીના કવિ હતા. કવિ, સાહિત્યરસિક અને શાસ્ત્રકાર તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ વિદ્યાપતિ ઉચ્ચ કોટીના  વિદ્વાન હતા.  વિદ્યાપતિની પુરુષપરીક્ષા એના પૂર્વગામી કથાકારોની પરંપરામાં જ લખાયેલી છે. માનવમૂલ્યો ,નીતિમતા તેમજ સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ એ આ ગ્રંથનો ઉદ્દેશ રહ્યો છે. સાચા પુરુષની પરીક્ષા કઈ રીતે કરી શકાય અને લગ્નોત્સુક યુવકે  સારી અને સુશીલ કન્યા મેળવવા માટે કેવી પાત્રતા કેળવવી પડે તે આ વાર્તાઓનું મુખ્ય હાર્દ છે. આ વાત સમજાવવા માટે વાસુકી નામના મુનિ પારાવાર નામના રાજાને કુલ ૪૨  કથાઓ સંભળાવે છે. અથવા  મનુષ્ય માત્ર પાસે ઉન્નત સમાજના નિર્માણ માટે શું અપેક્ષિત  છે? વિદ્યાપતિ ની આ કૃતિ માત્ર વાર્તા કે કથા નથી પણ લેખકના પાંડિત્યનો નિચોડ છે લેખકે સાહિત્ય, સંગીત, કળા, વેદવિદ્યા, ઉપનિષદ, જ્યોતિષશાસ્ત્ર, મીમાંસા કે વ્યાકરણ અને  સાહિત્યના ગહન સિદ્ધાંતોને વાર્તાના માધ્યમથી ઉજાગર કર્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.
તેમણે જણાવ્યું કે 16 થી 20 ઑક્ટોબર (બુધવારથી રવિવાર) સળંગ પાંચ દિવસ,સાંજે 0530 કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સુકુમાર પરીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *