ગાંધીનગર, 29 જૂન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં આજે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
શ્રી પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણની સુચારૂ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સામાન્ય માનવીના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.
મુખ્યમંત્રીએ જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં તેમણે રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે સંબંધિત કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જૂન-૨૦૨૪ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ ઉદ્યોગ, શહેરી વિકાસ, મહેસૂલ, માર્ગ-મકાન, ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા સરકારી પડતર જમીનમાં દબાણ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે શાળાપ્રવેશોત્સવના કારણે ૨૯ જૂન, શનિવારે યોજાયો હતો.
આ કાર્યક્રમની આજની કડીમાં ૧૨ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જૂન મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ-૨,૧૪૫ રજૂઆતોમાંથી ૭૨.૩૧ ટકા એટલે કે ૧,૫૫૧ રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે.
આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેકટર, ડી.ડી.ઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.