Spread the love

ગાંધીનગર, 24 મે, ગુજરાતમાં 27મી મેથી 15 જુલાઈ દરમિયાન 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને પાંચ દિવસની ઘનિષ્ઠ તાલીમ અપાશે
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ખેતીમાં ખંતથી કામ કરતી મહિલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મેળવશે અને તાલીમ મેળવ્યા પછી પોતાના ગામમાં અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની અને પ્રાકૃતિક કૃષિ સંયોજક સંગઠનના સંયુક્ત ઉપક્રમે રાજ્યના 33 જિલ્લાઓમાં 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પાંચ દિવસની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ સખીના પંચદિવસીય તાલીમ અભિયાનના આરંભે કહ્યું હતું કે, ખેતીમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. પ્રાકૃતિક ખેતી ભૂમિ, જલ અને પર્યાવરણની રક્ષા કરનારી પદ્ધતિ છે. પ્રાકૃતિક કૃષિમાં આપણું ગુજરાત સમગ્ર દેશ માટે પ્રકાશસ્તંભ અને અન્ય રાજ્યો માટે પથદર્શક બનશે, ત્યારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પ્રાકૃતિક કૃષિ સખીને પાંચ દિવસની તાલીમથી પ્રાકૃતિક કૃષિના જન અભિયાનને નવું બળ મળશે. પ્રાકૃતિક કૃષિનું પ્રેક્ટીકલ જ્ઞાન ખેતરે-ખેતરે અને ઘરે-ઘરે પહોંચશે.
તારીખ 27મી મેથી પ્રથમ તબક્કામાં આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, રાજકોટ, સુરત, કચ્છ, પાટણ અને તાપી જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સખીઓને તાલીમ અપાશે. 15 મી જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં 423 તાલીમ કાર્યક્રમ દ્વારા 12,690 પ્રાકૃતિક કૃષિ સખીઓને પાંચ દિવસની તાલીમ અપાશે. તાલીમમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અને તેનું વિજ્ઞાન થિયરી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવવાશે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિના નિષ્ણાતો પાસેથી પાંચ દિવસની તાલીમ મેળવ્યા પછી પ્રાકૃતિક કૃષિ સખી બહેનો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પોતાનું મોડેલ ફાર્મ તૈયાર કરશે, પોતાના ગામમાં અન્ય મહિલા ખેડૂતોને માર્ગદર્શન આપશે અને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપશે.