ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતમાં કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે જણાવ્યું કે રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે રાજ્યમાં 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.
કૃષિ પાકોની વાવેતરની સ્થિતી અંગે વાત કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહ વેગ આવવાની પુરતી સંભાવવા છે.
બિયારણના જથ્થા વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, ખરીફ ૨૦૨૪ ઋતુમાં મુખ્ય પાકો જેવા કે ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ ૧૩,૨૦,૨૪૦ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં ૧૫,૪૫,૦૬૫ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. આમ આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
