ગાંધીનગર, 4 જૂલાઈ, જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે.
જળ સંસાધન વિભાગના સચિવ બી કે રાબડિયાએ જણાવ્યું કે આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારની આ વિશિષ્ટ પહેલમાં જળ સંસાધન, જળ વિતરણ, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ અને મહાનગરપાલિકા, નર્મદા નિગમ, શિક્ષણ વિભાગ અને પંચાયત તેમજ ગ્રામીણ વિકાસ જેવા વિભાગોના સમન્વયની સાથે સાથે મોટી સંખ્યામાં જનભાગીદારી પણ જોવા મળે છે.
ગુજરાતમાં રહેલા નાના-મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુ ને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે. તેના પરિણામસ્વરૂપે, અત્યારસુધીના સાત તબક્કાઓમાં મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે વધી છે.
SSJAના સાતમા તબક્કા હેઠળ થયેલા કાર્યોની વિગતવાર જાણકારી આપતા જળ સંસાધન વિભાગના સચિવ શ્રી બી કે રાબડિયાએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJAનું આ અભિયાન આ વર્ષે ઘણું સફળ રહ્યું છે. આ વર્ષે SSJA હેઠળ 9374 કામો કરવામાં આવ્યા છે. આ કામો 4 હજારથી વધુ કામો જનભાગીદારી સાથે, 1900થી વધુ કામો મનરેગા હેઠળ અને 3300થી વધુ કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 7.23 લાખ માનવ-દિવસોનું સર્જન પણ થયું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે.”
શ્રી કે.બી. રાબડિયાએ વધુમાં જણાવ્યું કે, “આ વર્ષે ટોચના જે પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ કામ થયું છે, તેમાં દાહોદમાં સૌથી વધુ 1254 કામો, ગીર સોમનાથમાં 848 કામો, આણંદમાં 679 કામો, મહીસાગરમાં 648 કામો અને અરવલ્લી જિલ્લામાં 617 કામો કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્થિત નાની નદીઓ, તળાવો, ચેકડેમ જેવા વિવિધ પ્રકારના જળાશયોની સફાઈ અને રિપેરિંગની સાથે-સાથે સમગ્ર રાજ્યની 815 કિમી લાંબી મોટી નહેરો અને 1755 કિમી નાની નહેરોની પણ સફાઈ કરવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતના આ ભગીરથ પ્રયાસનો વ્યાપક ઉદ્દેશ રાજ્યના શુષ્ક પરિદ્રષ્યને બદલવાનો છે. આ વ્યાપક અભિયાન ભૂગર્ભજળના સ્તરને વધારવા, જળાશયોની સફાઈ કરવા અને પરંપરાગત જળ સંસાધનોને પુનર્જીવિત કરવા પર કેન્દ્રિત છે, જેથી કૃષિ, ઔદ્યોગિક અને ઘરગથ્થુ જરૂરિયાતો માટે સુરક્ષિત અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. સમુદાયોની ભાગીદારી મારફતે અને આધુનિક ટેક્નોલોજીની મદદથી, સુજલામ સુફલામ જળ અભિયાન ફક્ત તાત્કાલિક પાણીની અછતના પ્રશ્નોને જ સંબોધિત નથી કરતું, પરંતુ ગુજરાતમાં લાંબા ગાળાના પર્યાવરણીય સંતુલન અને સમૃદ્ધિનો માર્ગ પણ મોકળો કરે છે.
