Spread the love

અમદાવાદ, 25 મે, અમદાવાદમાં શનિવાર ના રોજ પાક્ષિકી’ અંતર્ગત હાથ કરતી સ્ત્રી’નું પઠન કરવામાં આવ્યું.
પાક્ષિકી કાર્યશાળાના સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે આજે‌ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે પાંચ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર ધર્મેશ ગાંધી દ્વારા  એમની વાર્તા  ‘હાથ કરતી સ્ત્રી’નું પઠન કરવામાં આવ્યું હતું. 

વાર્તાનાયક નોકરી કરીને ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થાય છે. ત્યાં જે તે ફેક્ટરીમાં કામ કરીને છૂટેલી સ્ત્રીઓ હંમેશા કોઈને પણ હાથ ઊંચો કરી વાહનોની લિફ્ટ માંગતી ઊભી હોય છે. વાર્તાનાયકે આ સ્ત્રીઓ વિશે અનેક પ્રકારની વાતો સાંભળી હોય છે. એ વાતોનો પ્રત્યક્ષ અનુભવ એક દિવસે ના છૂટકે થઈ જાય છે. એ નીકળે છે ત્યારે એક સ્ત્રી એણે સાંભળેલી વાતો પ્રમાણે જ હાથ કરી લિફ્ટ લે છે. 
એ સ્ત્રીનું મોઢું ઘૂમટાથી ઢંકાયેલું છે. એણે કમરે કાળો દોરો બાંધ્યો હોય છે. નાયક આ બધું જુએ પણ એને તે ઓળખતો નથી. પછી નાયક અને પાછળ બેઠેલી એ સ્ત્રી આગળ વધે છે. રસ્તામાં એક જગ્યાએ એ સ્ત્રી નાયકનો ખભો દબાવી સ્કુટર ઊભું રાખવા કહે છે. નાયક અનેક વિચારોમાં અટવાઇ છે. પણ પેલી સ્ત્રી રસ્તા પરના ડિવાઈડરમાં ખીલેલી કરેણોનાં ફૂલ લેવાં માંડે છે. એ વખતે એની બાજુમાં સાપ આવી જાય છે, પણ સ્ત્રીને એની ખબર નથી. નાયક આ બધું જોઈ બૂમ પાડે છે ત્યાં તો સ્ત્રી સ્કુટર પાસે આવી પહોંચી હોય છે. એ ફૂલને પૂજા અને દવા માટે લીધાનું કહે છે. રસ્તામાં એનું ઘર આવતાં તે ઊતરી જાય છે. 
નાયક ઘરે પહોંચે છે. ઘરે પાંચ વર્ષેથી બીમાર પત્ની મીરાં સાથે તે પોતાનો નિર્વાહ કરતો હોય છે. એને વારંવાર પેલી હાથ કરતી સ્ત્રી યાદ આવે છે. બીજે એ જ જગ્યાએ ફરીથી સ્કુટર લઈ નીકળે છે, પણ એ સ્ત્રી ત્યાં હોતી નથી.બે અઠવાડિયા પછી એ સ્ત્રી ફરી હાથ કરી લિફ્ટ માંગે છે. નાયકને તે કહે છે એના ‌પીયક્કડ પતિને સારો કરવા એણે પેલાં ફૂલ અને એક બાધા લીધી હતી. હવે સારું થઈ ગયું છે. એથી મજૂરીની આ નોકરીમાંથી મૂક્ત થવા આવી હતી. એણે નાયકનો ફરી આભાર માન્યો અને ફૂલ આપ્યાં. કહ્યું કે કોઈ બીમાર હોય તો આ ફૂલની દવા કરજો. સારુ થઈ જશે. નાયક ફરી વિચારોમાં અટવાઇ પડે છે. એ હેલ્મેટના કાચમાં પડેલા ઘસરકા સાફ કરે છે. સ્કુટરને જોરથી કિક મારતાં વિચારે છે કે એ તો એના ઘરે પહોંચી ગઈ પરંતુ પોતાને ઘરે પહોંચતાં વાર લાગશે. અહીં વાર્તા પૂરી થાય છે.
અહીં થયેલ પ્રસંગ ગૂંથણી, રૂપકોનો વિનિયોગ, પાત્રાલેખન અને પરિવેશ તથા તળપદ ભાષાનો યોગ્ય વિનિયોગ વાર્તાને નમૂનેદાર બનાવે છે. આ કાર્યશાળામાં મૂર્ધન્ય સર્જક પ્રફુલ્લભાઈ રાવલ, ગ્રંથાલય મંત્રી પરીક્ષિત જોષી તથા કવિ સાહિલ પરમારની વિશેષ ઉપસ્થિતમાં ચેતન શુક્લ, રાધિકા પટેલ, મિહિર શાહ, મુકુલ દવે, અર્ચિતા પંડ્યા, રસિક પરમાર, મીરાં પટેલ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.