Spread the love

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીના અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી આ બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.

મુક્ત, ન્યાયી અને પ્રલોભનમુક્ત ચૂંટણીઓ યોજવા પ્રતિબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી નાણાં, કિંમતી ધાતુઓ અને નશાકારક પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હવાઈ માર્ગે હેરફેર અટકાવવા અને નિયંત્રિત કરવા CISF, ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, બ્યુરો ઑફ સિવિલ ઍવિએશન, કસ્ટમ અને ઈન્કમટેક્ષ વિભાગ કાર્યરત છે. આ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અમદાવાદ એરપોર્ટના ગુજસેલ ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તેમણે એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટની કામગીરીનું પણ નિરિક્ષણ કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ ખાતે કાર્યરત વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) સ્થળની મુલાકાત કરી હતી. તેમણે પ્રસ્થાન પૂર્વેનું સુરક્ષા ચેકીંગ તથા આગમન બાદના સુરક્ષા ચેકીંગ માટેની વ્યવસ્થાઓનું પણ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળા અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
શ્રીમતી પી.ભારતીએ એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટનું નિરીક્ષણ પણ કર્યું