Spread the love

અમદાવાદ, 03 મે, મતગણતરીની પૂર્વ સંધ્યાએ ૭- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે રિહર્સલ યોજાયું.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની મતગણતરીની પૂર્વ સંધ્યાએ ૭- અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી માટે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં કાઉન્ટિંગ ઑબ્ઝર્વર અશોકકુમાર દાસ, અમદાવાદ પૂર્વના રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા સહિતના અધિકારીઓએ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં અને મતગણતરી કેન્દ્રોની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
કાઉન્ટિંગ ઑબ્ઝર્વર શ્રી અશોકકુમાર દાસે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઑબ્ઝર્વર અને અધિકારીઓએ ઓબ્ઝર્વર રૂમ, કંટ્રોલ રૂમ, કાઉન્ટિંગ હૉલની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથોસાથ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત – દુરસ્ત રાખવામાં આવી છે. આવતીકાલે વહેલી સવારથી જ કાઉન્ટિંગ સ્ટાફ, પત્રકારો, રાજકીય પક્ષના ઉમેદવારો તથા એજન્ટને પ્રવેશ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જેથી શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે સમ્પન્ન કરી શકાય.