લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થવા સાથે ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણની સાથોસાથ સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વિશિષ્ટ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આવા જ એક અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓમાં મતદાન સંકલ્પ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા તારીખ 19મી એપ્રિલના રોજ જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન જાગૃતિ માટે વેબિનાર આયોજન કરવામાં આવ્યું છે. વેબિનાર અંતર્ગત વિદ્યાર્થીઓના વાલીઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવામાં આવશે તથા સૌ વાલીઓ અચૂક મતદાન કરે તે માટે અચૂક મતદાન શપથ લેવડાવવામાં આવશે. સાથે જ, વાલીઓ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે તે અંગે તેમને માર્ગદર્શન આપવામાં આવશે.
અમદાવાદ જિલ્લાની 600 શાળાઓના વિદ્યાર્થીઓના અંદાજે 2,50,000 વાલીઓ અને શિક્ષકોને વેબિનારના માધ્યમથી મતદાનના સંકલ્પ લેવડાવવામાં આવશે.