Spread the love

સુરેન્‍દ્રનગર, 28 જૂન, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.
શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી શ્રી પટેલ શાળાનું વિશાળ હરિયાળુ પ્રાંગણ જોઈ પ્રફુલ્લિત થયા હતા. આ તકે મુખ્યમંત્રીએ શાળામાં બાળકો કમ્પ્યુટરલક્ષી જ્ઞાન મેળવી શકે અને ડિજિટલ માધ્યમથી પણ અભ્યાસ કરી શકે તે માટે કાર્યરત કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીએ શાળાના સ્માર્ટ કલાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વર્ગના વિદ્યાર્થીઓએ પોતે બનાવેલું સુંદર ગ્રીટિંગ કાર્ડ આપીને મુખ્યમંત્રીને વર્ગખંડમાં આવકાર્યા હતા. શાળાના બાળકો દ્વારા જુદા જુદા પાર્ટ્સ એસેમ્બલ કરીને બનાવવામાં આવેલી મોટરકાર, ક્રેન, ગણિત વિષયક ક્વિઝ બોક્સ જેવા વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કરી જુદા જુદા પ્રયોગોની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ ભાવે સંવાદ સાધી, ‘બાળકોને કયા કયા વિષય સૌથી વધુ ગમે છે? અક્ષરો કેવા થાય છે? કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ આવે છે?’ સહિતના સવાલો કર્યા હતા. જેના બાળકોએ નિખાલસ ભાવે જવાબો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ બાળકોને મધ્યાહન ભોજનની સુવિધા વિશે અને આપવામાં આવતું ભોજન ભાવે છે કે કેમ જેવા સહજ સવાલો કર્યા હતા.
સમગ્ર શિક્ષા દ્વારા શાળામાં નવનિર્મિત ચાર વર્ગખંડોનાં બિલ્ડીંગનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ કેળવાય તે માટે નવનિર્મિત બિલ્ડીંગમાં આવેલ સ્ટેમ લેબ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.