~સુરત અને ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી દરમિયાન રૂ.૩૫ લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટેનું પામોલીન-સોયાબીન તેલ જપ્ત કરાયું.
Surat/Deesa, Gujarat, Aug 15 (VNI): ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને ડીસા ખાતે દરોડા પાડીને રૂ.૩૫ લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતું તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ ફેક્ટરી પર દરોડા દરમિયાન ફેક્ટરી માલિક પાસે કાયદેસરનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ થતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
તંત્રની ટીમે સ્થળ પરથી ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ના વિવિધ પેકિંગમાં રહેલો રૂ.૨૬.૧૨ લાખની કિંમતનો કુલ ૫,૧૫૭ લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ઉપરાંત, ભેળસેળ માટે રાખવામાં આવેલ રૂ.૩.૬૩ લાખની કિંમતનું ૧,૪૮૫ કિલોગ્રામ પામોલીન તેલ અને ૨૮૫ કિલોગ્રામ સોયાબીન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા તમામ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, પાલનપુર વર્તુળની ટીમે ડીસા ખાતે વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલ કુલ ૯૮૭ લીટર ઘી, જેની અંદાજિત કિંમત રૂ.૬.૨૨ લાખ છે, તે જપ્ત કરવામાં આવ્યું હતું. તમામ કેસોમાં ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬’ હેઠળ કાયદેસરના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને જવાબદારો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણ કસૂરવાર કે વેપારી પેઢીને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશ આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે. VNI NEWS, Surat, Deesa, Gujarat, Suspected Ghee, Adulterated Oil, Food Safety, Food and Drug Regulatory Department, Food Adulteration, Praful Pansheriya, Gujarat Health Department, VNINews, VNINews.com
