~ભાડજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. 25 હજારથી વધુ લોકો અભિયાનમાં જોડાયા.
Ahmedabad, Gujarat, July 12 (VNI): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભાડજ ખાતે આયોજિત મેગા વૃક્ષારોપણ અભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર એક જ કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. અંદાજે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ ઐતિહાસિક અભિયાનમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સે ભાગ લીધો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ વિભાગના મંત્રી, મેયર, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ભાડજ ખાતે ગોતા-ગોધવી કેનાલ નજીક આશરે 76 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 35 જેટલી સ્થાનિક (Indigenous) પ્રજાતિના 3.61 લાખ રોપાઓનું એક જ કલાકમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં AMCના વિવિધ વિભાગો, સ્કૂલ બોર્ડ, BAPS સંસ્થા, CREDAI, પોલીસ વિભાગ, NCC, વિવિધ એનજીઓ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તેમજ શહેરના હજારો નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. સ્થાનિક પ્રજાતિના વૃક્ષોના વાવેતરથી જૈવ વૈવિધ્યનું સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ અને શહેરના હરિયાળા આવરણમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
AMCએ જણાવ્યું કે આ વિશ્વવિક્રમ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, જનભાગીદારી અને ટકાઉ શહેરી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. હરિયાળા અમદાવાદના સંકલ્પને સાકાર કરવા માટે ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી અભિયાનોને વધુ વેગ આપવામાં આવશે. VNI NEWS, Ahmedabad, Guinness World Record, Miyawaki Plantation, AMC, Bhadaj, Tree Plantation, Green Ahmedabad, Miyawaki Method, Tree Plantation, Environment, Amit Shah, Gujarat
