~Yash Barot donates his father Mahendrabhai’s eyes after his death, marking the 208th eye donation at Ahmedabad Civil Hospital and inspiring awareness about eye donation.

Ahmedabad, Gujarat, Oct 09 (VNI): અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પિતાના અવસાનની ઘેરી વેદના વચ્ચે પણ યશભાઈ બારોટે પિતા મહેન્દ્રભાઈની આંખોનું દાન કરવાનો સરાહનીય નિર્ણય લીધો છે. બારોટ પરિવારના આ માનવતાસભર નિર્ણયથી દૃષ્ટિ ગુમાવેલા જરૂરિયાતમંદ લોકોને નવી દૃષ્ટિ મળવાની આશા જાગી છે. રાજ્ય સરકાર સંચાલિત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ નિર્ણયના પરિણામે સફળતાપૂર્વક ૨૦૮મું ચક્ષુદાન નોંધાયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે આ પ્રેરણાદાયી ઘટનામાં પરિવારે શોકની ઘડીમાં પણ ચક્ષુદાનનો ઉમદા નિર્ણય લઈને સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના તબીબી વ્યવસ્થાપન અને કાઉન્સિલિંગ દ્વારા ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
ઘટનાની વિગતો આપતાં ડૉ. જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદના કે.કે. નગર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય મહેન્દ્રભાઈ બારોટને ગત ૬ ઓક્ટોબરના રોજ બગોદરા હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં આઈસીયુમાં તબીબોની સુસજ્જ ટીમે તેમને બચાવવા માટે સઘન સારવાર આપી હતી. જોકે, તબીબોના અથાગ પ્રયાસો છતાં ૯ ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
પિતાના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવા છતાં બારોટ પરિવારે માનવસેવાની ભાવનાને પ્રાધાન્ય આપ્યું હતું. પરિવારના પૂર્વજોએ આપેલા સંસ્કારોને આગળ ધપાવતાં મહેન્દ્રભાઈના પુત્ર યશભાઈએ પિતાની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, અગાઉ મહેન્દ્રભાઈના પિતા નાનુભાઈના અવસાન સમયે પણ પરિવારે તેમની આંખોનું દાન કર્યું હતું. દાદાના આ સેવાભાવી નિર્ણયથી પ્રેરાઈને યશભાઈએ પણ પિતાના અવસાન બાદ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. પરિવારના આ નિર્ણયથી જરૂરિયાતમંદ લોકોને દૃષ્ટિ મેળવવાની નવી આશા મળશે.
આ પ્રસંગે પરિવારના નિર્ણયને બિરદાવતાં ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “આંખોનું દાન એ માનવતાની અમૂલ્ય ભેટ છે. એક પરિવારનો સેવાભાવી નિર્ણય દૃષ્ટિની આશા રાખતા અનેક જરૂરિયાતમંદો માટે નવી રોશની બની શકે છે. મહેન્દ્રભાઈના પુત્ર યશભાઈએ પિતાના અવસાનની અસહ્ય વેદના વચ્ચે પણ આંખોનું દાન કરવાનો નિર્ણય લઈને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજમાં અંગદાન અને ચક્ષુદાન અંગે જાગૃતિ વધે અને વધુને વધુ પરિવારો આ પવિત્ર સેવાકાર્ય માટે આગળ આવે તે સમયની માંગ છે.”

સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના માનવતાવાદી પ્રયાસોના પરિણામે હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ ૨૦૮ ચક્ષુદાન નોંધાયાં છે. હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી આ ઝુંબેશ દૃષ્ટિ ગુમાવેલા જરૂરિયાતમંદ લોકોને નવી દૃષ્ટિ અને જીવનમાં આશાનું નવું કિરણ પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. બારોટ પરિવારનો આ સરાહનીય નિર્ણય સમાજમાં ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતા, સંવેદના અને સેવાભાવનાને વધુ મજબૂત બનાવે છે. મિનેશ પટેલ. VNI NEWS, Ahmedabad Civil Hospital, Yash Barot, Mahendrabhai Barot, Eye Donation, 208th Eye Donation, Gujarat Health Department, Organ Donation Awareness, Ahmedabad News, Yash Barot eye donation, Ahmedabad Civil Hospital eye donation, 208th eye donation in Ahmedabad, Mahendrabhai Barot, eye donation awareness Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *